Gujarat Weather: રાજ્યમાં આજથી ઠંડી ઘટશે, કેટલાક વિસ્તારોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
અમદાવાદ: ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફારની શક્યતા છે. દેશમાં બની રહેલા હાલ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ આવતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવારણ રહેશે તથા પવનની દિશામાં પણ ફેરફાર થઈ શકે છે. આજે 16મી જાન્યુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડી ઘટવાની શરૂઆત થઈ શકે છે. બુધવારે નલિયા સિવાચ રાજ્યના 17 શહેરોમાં લધુત્તમ તાપમાન 11 ડીગ્રીથી 17 ડિગ્રી વચ્ચે નોંધાયુ હતું.
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે કાતિલ ઠંડીનો થયો અનુભવ
ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઠંડા પવનો ફૂંકાવાને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. ઉત્તર તરફથી આવી રહેલા સૂકા પવનો રાજ્યના હવામાનને ઠંડુ કરી રહ્યા છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આજે 16મી જાન્યુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડી ઘટવાની શરૂઆત થઈ શકે છે. 17મી જાન્યુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધુમ્મસ જોવા મળે તેવી શક્યતા છે.
Also read: Weather Update : દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે કરી આ આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 17મી જાન્યુઆરી બાદ ગુજરાતના તાપમાનમાં વધારો થશે અને મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે પરંતુ હવામાન વિભાગે માવઠાની કોઈ આગાહી કરી નથી. હાલ ગુજરાતમાં સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગે આપેલા આંકડા મુજબ બુધવારે નલિયા સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 16 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી, અમરેલીમાં 13 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.