નૈનિતાલમાં નશામાં ધૂત અધિકારીએ ત્રણ કિશોરીને કચડીઃ એકનું મોત…
દહેરાદૂનઃ ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લાના કોટાબાગ બ્લોકમાં નશામાં ધૂત એક સરકારી અધિકારીએ પોતાની કારથી ત્રણ સગીરાઓને કચડી નાખી હતી. જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે ઘાયલ થઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
કોટાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રમેશ ચંદ્ર પંતના જણાવ્યા અનુસાર આરોપી ભૂપેન્દ્ર સિંહ કે જે કોટાબાગના સહાયક બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર હતા. જેની પોલીસે ભાગવાનો પ્રયાસ કરતી વખતે ધરપકડ કરી હતી. પંતે જણાવ્યું કે તબીબી તપાસમાં સિંહ અકસ્માત સમયે નશામાં હોવાની પુષ્ટિ થઇ હતી.
આ પણ વાંચો : મથુરામાં મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસમાં લાગી આગ, એકનું મોત
પંતે જણાવ્યું કે સગીરાઓની ઓળખ કનક બોરા (૧૭) અને માહી બોરા (૧૪) તથા તેમની સખી મમતા ભંડારી(૧૫) તરીકે થઇ છે. આ તમામ કોટાબાગના નાથુનગર ગામની રહેવાસી હતી. સોમવારે ઉત્તરાયણી મેળામાંથી ત્રણેય પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે પીડિતોને પહેલા કોટાબાગ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને ઉચ્ચ સુવિધામાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ માહીને મૃત જાહેર કરી હતી.