વાલ્મિક કરાડને એસઆઈટીની 7 દિવસની કસ્ટડી…
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના બીડ શહેરની મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) માટેની એક વિશેષ અદાલતે બુધવારે એનસીપીના પ્રધાન ધનંજય મુંડેના સહયોગી મનાતા વાલ્મિક કરાડને મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે દસ દિવસની કસ્ટડી માંગી હતી.
આ પણ વાંચો : સંતોષ દેશમુખ હત્યા કેસઃ વાલ્મિક કરાડને કસ્ટડી બાદ જેલમાં 5 પલંગ લાવતા વિવાદ
વાલ્મિક કરાડ પર મંગળવારે આકરા એમસીઓસીએ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને 14 દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ, પોલીસે તેમની કસ્ટડી માટે ખાસ એમસીઓસીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. બુધવારે બપોરે બીડની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 22 જાન્યુઆરી સુધી એસઆઈટીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું નવમી ડિસેમ્બરે અપહરણ અને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દેશમુખે આ વિસ્તારમાં પવનચક્કી પ્રોજેક્ટ ચલાવતી ઊર્જા કંપની પાસેથી ખંડણી વસૂલવાના પ્રયાસનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. કરાડે 31 ડિસેમ્બરે પુણેમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ હત્યા સંબંધિત ખંડણી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઈ)
આ પણ વાંચો : મેળામાં ફિલ્મો બતાવનાર છોકરો ધનંજય મુંડેનો ખાસ કેવી રીતે બન્યો? કોણ છે વાલ્મીક કરાડ?
વાલ્મિક કરાડના સમર્થકોએ સતત બીજા દિવસે આંદોલન કર્યું
મુંબઈ: સરપંચની હત્યા સંબંધિત ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવેલા વાલ્મિક કરાડને બીડની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમના સમર્થકોએ સતત બીજા દિવસે તેમની મુક્તિ માટે આંદોલન ચાલુ રાખ્યું હતું. કેટલાક સમર્થકો મોબાઈલ ફોનના ટાવર પર અને પાણીની ટાંકી પર ચડી ગયા હતા. બીડના પરલીમાં બંધ પણ પાળવામાં આવ્યો હતો. આંદોલનને ધ્યાનમાં લેતાં કોર્ટના પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંધની હાકલને પગલે બીડના પરલીમાં શિરસાળા વિસ્તારના 80 ટકા સંસ્થાનો બંધ હતા અને પેઠ બીડ વિસ્તારમાં 30 ટકા સંસ્થાનો બંધ રહ્યા હતા.