આમચી મુંબઈ

ફાઈવ સ્ટાર હોટેલમાં નવા વર્ષની પાર્ટીનું આયોજન કરી 1.38 કરોડની ઠગાઈ

પાર્ટી પછી પણ બિલ ન ચૂકવનારા ઈવેન્ટ મૅનેજમેન્ટ કંપનીના માલિક વિરુદ્ધ ગુનો

મુંબઈ: ઍરપોર્ટ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં નવા વર્ષની પાર્ટીનું આયોજન કરી 1.38 કરોડ રૂપિયા ન ચૂકવનારા ઈવેન્ટ મૅનેજમેન્ટ કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

સહાર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર અંધેરી પૂર્વમાં ઍરપોર્ટ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ 31 ડિસેમ્બરની રાતે પાર્ટીનું આયોજન કરાયું હતું. આ આયોજન એક ઈવેન્ટ મૅનેજમેન્ટ કંપની દ્વારા કરાયું હતું. આ માટે ઈવેન્ટ મૅનેજમેન્ટ કંપનીના આરોપી માલિકે ઑક્ટોબર, 2024માં હોટેલના મૅનેજર સાથે મુલાકાત કરી પાર્ટી સંદર્ભે વાતચીત કરી હતી.

આ પણ વાંચો: ખોટા પેમેન્ટના બદલામાં સાચી ઉઘરાણીની ઠગાઈ

20 ડિસેમ્બરે હોટેલ અને આરોપીની કંપની વચ્ચે કરાર થયો હતો, જે અનુસાર પાર્ટી માટે જગ્યા, ડિનર, દારૂ, સિક્યોરિટી અને લાઈસન્સ સંબંધી સુવિધા હોટેલ પૂરી પાડવાની હતી અને તેના બદલામાં કંપનીએ હોટેલને 1.78 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. પાર્ટીમાં 500 જણને નિ:શુલ્ક પ્રવેશ આપવાનું નક્કી થયું હતું, જેમાં હોટેલના 250 ગેસ્ટનો સમાવેશ થતો હતો. આ પાર્ટી માટે ટિકિટના દર પણ નક્કી કરાયા હતા.

આ પણ વાંચો: મુંબઈના શખ્સે રાજકોટના જ્વેલર્સ પાસેથી 33 લાખનું સોનું ખરીદી 13 લાખની ઠગાઈ આચરી, આ રીતે ફૂટ્યો ભાંડો…

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પાર્ટી પહેલાં જ બધી રકમ ચૂકવી દેવાનું ઠરાવાયું હતું, પરંતુ આરોપીની કંપની દ્વારા થોડો સમય માગવામાં આવ્યો હતો. વારંવાર રૂપિયા ચૂકવવાનું ટાળીને આરોપીએ આખરે પાર્ટી બાદ પૂરી રકમ ચૂકવી દેવાની ખાતરી આપી હતી. પાર્ટીને દિવસે હોટેલ બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાથી કાયદા-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય તે માટે હોટેલના મૅનેજરે પાર્ટી બાદ રૂપિયા સ્વીકારવાનું માન્ય રાખ્યું હતું. જોકે પાર્ટી પત્યા પછી પણ આરોપી દ્વારા અમુક જ રકમ હોટેલના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરાઈ હતી. માત્ર 40.50 લાખ રૂપિયા ચૂકવીને બાકીની 1.38 કરોડ રૂપિયા ન ચૂકવનારી કંપનીના માલિક વિરુદ્ધ હોટેલના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button