ટૉરેસ સ્કૅમ: હાઇ કોર્ટે તપાસમાં ઢીલાશ બદલ પોલીસની ઝાટકણી કાઢી,વ્હીસલબ્લોઅરને રક્ષણ આપવાનો આદેશ…
મુંબઈ: કરોડો રૂપિયાના ટૉરેસ કૌભાંડની તપાસમાં સુસ્ત વલણ બદલ મુંબઈ હાઇ કોર્ટે બુધવારે મુંબઈ પોલીસની ઝાટકણી કાઢી હતી અને આ કેસમાં વ્હીસલબ્લોઅર હોવાનો દાવો કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રક્ષણ આપવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : હવે ટકલા વાયરસનો શિકાર બની મહિલાઃ બુલઢાણાની આ ગંભીર સ્થિતિનો કોઈ ઈલાજ છે કે નહીં?
જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે ટૉરેસ કૌભાંડનો પર્દાફાશ કરવાનો દાવો કરનારા અભિષેક ગુપ્તાને રક્ષણ આપવાના નિર્દેશ મુંબઈના પોલીસ કમિશનરને આપ્યા હતા. પોલીસે કોર્ટને કહ્યું હતું કે ગુપ્તાને કોઇ ધમકી મળી છે કે કેમ તેની તપાસ કરાઇ રહી છે.
નોંધનીય છે કે ટૉરેસ જ્વેલરી બ્રાન્ચ ચલાવતી કંપનીએ મુંબઈ, નવી મુંબઈ, મીરા-ભાયંદરમાં સ્ટોર્સ શરૂ કર્યા બાદ રોકાણ પર સપ્તાહે 6થી 11 ટકા વ્યાજે વળતરની લાલચે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ કેસમાં ત્રણ જણની ધરપકડ કરી હતી, જેમાં બે વિદેશી નાગરિક છે.
આ કૌભાંડનો પોતે પર્દાફાશ કર્યો હોવાથી હવે મારા જીવને જોખમ છે એવું કહીંને ગુપ્તાએ મુંબઈ હાઇ કોર્ટમાં પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી.
સુનાવણી દરમિયાન ડિવિઝન બેન્ચે વિશેષ એજન્સી આર્થિક ગુના શાખાની સુસ્ત તપાસ બદલ નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને વિદેશી એવા આરોપીઓને ભારતમાંથી ભાગી જવાની તક આપી તે માટે ઝાટકણી કાઢી હતી.
તપાસ જે પ્રમાણે ચાલી રહી છે તે પ્રત્યે અમને આઘાત લાગ્યો છે. ક્યાંક તો પોલીસ જવાબદાર છે. તેમની પાસે કેટલી બધી માહિતી છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
ટૉરેસ બ્રાન્ચ ચલાવતી પ્લેટિનમ હર્ન. પ્રા.લિ. કંપનીના અકાઉન્ટ્સનું ગુપ્તા ઑડિટિંગ કરતો હતો. તેણે અરજીમાં દાવો કર્યો છે કે જૂન, 2024માં પોતે પોલીસને આ કૌભાંડની જાણકારી આપી હતી, પરંતુ પોલીસે કોઇ પગલાં લીધાં નહોતાં.
એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર પ્રાજક્તા શિંદેએ જણાવ્યું હતું કે ગુપ્તાને ખરેખર ખતરો છે કે કેમ તે અંગે અહેવાલની રાહ જોવાઇ રહી છે.
આ સમયે ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે જો તે કે તેણી પોલીસને માહિતી પૂરી પાડતાં હોય તો તેને બલિનો બકરો નહીં બનાવવા જોઇએ.
આ પણ વાંચો : ગૃહપ્રધાનપદની શાન જાળવી રાખો: અમિત શાહની ટિપ્પણી પર શરદ પવારનો જવાબ
શિંદેએ બેન્ચને જણાવ્યું હતું કે પોલીસે અત્યાર સુધી આ કૌભાંડમાં 25 કરોડ રૂપિયાની મતા જપ્ત કરી છે. કોર્ટે નોંધ્યું હતું કે આ તો ઠગાઇની સંપૂર્ણ રકમનો એક ટકો પણ નથી. વળી સીસીટીવી ફૂટેજ જેવા મહત્ત્વના પુરાવાઓ પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા બદલ પણ ડિવિઝન બેન્ચે પોલીસની ટીકા કરી હતી. (પીટીઆઇ)