Gold Market: ઝવેરી બજારમાં સોનાના ભાવમાં જોવા મળ્યો સુધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
રોકાણકારોની નજર અમેરિકાનાં ફુગાવાના ડેટા પર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની નાણાનીતિના નિર્ણયો જેના પર અવલંબિત છે એવાં ફુગાવાના ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 240થી 241નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 178નો સુધારો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી વધુ 15 પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સોનાની આયાત પડતરમાં થનારા અપેક્ષિત ઘટાડાને ધ્યાનમાં લેતા સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હોવા છતાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 178 વધીને રૂ. 88,908ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ સુસ્ત રહી હોવા છતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 240 વધીને રૂ. 77,956 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 241 વધીને રૂ. 78,269ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો: ડોલર સામે રુપિયો તૂટ્યો, તો આજના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ જાણો
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા વધીને આૈંસદીઠ 2681.34 ડૉલર અને વાયદામાં ભાવ 0.5 ટકા વધીને 2696.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા વધીને આૈંસદીઠ 29.92 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી નાણાનીતિ માટે મહત્ત્વપૂર્ણ પુરવાર થનાર ફુગાવા અથવા તો ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટાની આજે મોડી સાંજે જાહેરાત પર રોકાણકારોની મીટ મંડાયેલી છે. જો ડેટા સારા આવશે તો ફેડરલ રિઝર્વ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ હળવી નાણાણીતિનું વલણ જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે છે, એમ ઓએએનડીએનાં એશિયા પેસફિક વિભાગના વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું.
રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર ગત ડિસેમ્બર મહિનામાં ફુગાવો નવેમ્બર મહિનાના 2.7 ટકા સામે વધીને 2.9 ટકાની આસપાસ રહે તેવી ધારણા મૂકવામાં આવી છે. જોકે, ગઈકાલે જાહેર થયેલા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ તેનાંથી ફેડરલ રિઝર્વ વર્તમાન વર્ષ 2025ના પહેલા છમાસિકગાળામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નથી, એમ જણાવતાં વૉન્ગે ઉમેર્યું હતું કે આગામી સપ્તાહે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ હોદ્દો અખત્યાર કર્યા બાદ કેવી નીતિ અપનાવે છે તેના પર બજાર વર્તુળોની નજર છે. તેમ છતાં મારા મતાનુસાર આગામી સમયગાળામાં સોના માટે આૈંસદીઠ 2600 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે અને જો આ સપાટી તૂટે તો ભાવ ઘટીને આૈંસદીઠ 2540 ડૉલર સુધી પહોંચી શકે છે અને તે સમય લાંબા સમયગાળાના રોકાણકારો માટે ખરીદીને ઉત્તમ સમય ગણી શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.