મથુરા: મહાકુંભમાં સહભાગી થવા માટે કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ત્યારે મહાકુંભ જઈ રહેલી એક ખાનગી બસમ આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેલંગાણાથી 51 જેટલા મુસાફરો સાથે મહાકુંભ જઈ રહેલી બસ વૃંદાવનના પ્રવાસન કેન્દ્ર પર ઊભી હતી તે દરમિયાન આગ લાગી હતી. પોલીસ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે સિગારેટ આગનું કારણ હોઈ શકે છે.
વૃદ્ધ બસમાં આરામ કરતાં હતા
ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર બ્રિગેડ, પોલીસ, વહીવટી તંત્રનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રીગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર બસમાં લગભગ 50 શ્રદ્ધાળુઓ મહાકુંભમાં અમૃત સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. ત્યારે વૃંદાવન પહોંચ્યા બાદ મોટાભાગના યાત્રાળુઓ મંદિરોમાં દર્શન કરવા ગયા હતા પરંતુ માત્ર એક વૃદ્ધની તબીયત ખરાબ હોવાથી બસમાં આરામ કરી રહ્યા હતા.
પાછા મોકલવાની વ્યવસ્થા કરાશે
જિલ્લા મેજિસ્ટ્રેટે માહિતી આપતા કહ્યું હતું કે આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, તે સિવાય અન્ય તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે બસમાં લાગેલી આગમાં તેમનો બધો સામાન બળી ગયો હતો. વધુમાં જણાવ્યું કે બસમાં કુલ 51 મુસાફરો હતા. જેમાંથી 50 મુસાફરો સુરક્ષિત છે અને તેમના માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે અને તેઓને પાછા મોકલવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચો…કેબ ડ્રાયવર મોડો આવ્યો ને મહિલા તેના પર થૂંકીઃ ઈન્ટરનેટ પર વાયરલ વીડિયોએ ફરી આપણી માનસિકતા…
ગુજરાતથી મહાકુંભ જતાં શ્રદ્ધાળુઓનો અકસ્માત
સોમવારના ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભમાં શાહી સ્નાન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. તે અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર દંપતી સહિત 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતનો ભોગ બનનારા લોકો ગુજરાતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.