આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

પીએમ મોદી આજે મુંબઇમાં, નૌકાદળના કાર્યક્રમ બાદ લેશે મહાયુતિના નેતાઓના ક્લાસ

મુંબઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે આવ્યા છે. તેઓ સવારે 10:30 વાગ્યાની આસપાસ ભારતીય નૌકાદળના કાર્યક્રમમાં હાજરી આપશે. આ અવસર પર તેઓ મુંબઈના નેવલ ડૉકયાર્ડ ખાતે યુદ્ધ જહાજોની રાષ્ટ્રને સોંપણી કરશે. ત્યાર બાદ તેઓ મહાયુતિના વિધાનસભ્યો સાથે વાતચીત કરશે. બાદમાં તેઓ નવી મુંબઈમાં ખારઘર ખાતે આવેલા ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. આ મંદિર એશિયાનું બીજું સૌથી મોટું ઇસ્કોન મંદિર છે.

નોંધનીય છે કે સંરક્ષણ ઉત્પાદનો અને દરિયાઈ સુરક્ષામાં ભારત હવે હરણફાળ ભરી છે. પીએમ મોદી ભારતના નૌકાદળના ત્રણ મુખ્ય લડાયક જહાજો- INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર આજે રાષ્ટ્રને અર્પણ કરશે. આ વિશ્વના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક યુદ્ધ જહાજો છે. તેની બનાવટની 75% સામગ્રી સ્વદેશની છે. આ જહાજો અત્યાધુનિક શાસ્ત્રો અને અધતન ક્ષમતાઓથી સજ્જ છે. આ ત્રણ યુદ્ધ જહાજોના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી નેવલ ડૉકમાંજ મહાયુતિના મંત્રીઓ અને વિધાનસભ્યો સાથે વાતચીત કરશે અને તેમને માર્ગદર્શન પણ આપશે. આ સમયે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને અજીત પવાર પણ હાજર રહેશે. ત્યારબાદ મોદી મુંબઈ અને નવી મુંબઈમાં ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન માટે જશે.

પીએમના આગમન સમયે સુરક્ષાના કારણોસર નેવલ ડૉકયાર્ડની આસપાસના વિસ્તારોમાં વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. તમામ લોકોને નેવીના ટાઈગર દ્વાર દ્વારા જ મુખ્ય ઇવેન્ટ માટે જવા દેવામાં આવી રહ્યા છે. સુરક્ષાના કારણોસર નેવલ ડૉકયાર્ડ ખાતે વડાપ્રધાન મોદીના કાફલા સિવાય અન્ય કોઈ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો નથી. નેવીના કાર્યક્રમ બાદ પીએમ મોદી નેવિના ઓડિટોરિયમમાં મહાયુતિના વિધાન સભ્યો સાથે વાતચીત કરશે. બધા વિધાન સભ્યોનેવિધાન ભવન પાસે ભેગા થવાનું કહેવામાં આવ્યું છે. વિધાન સભ્યોને નેવલ ડૉકયાર્ડ સુધી લઈ જવા માટે વિધાન ભવનમાં ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંથી બસ દ્વારા તેમને સભા સ્થળે લઈ જવામાં આવશે. લંચ દરમિયાન પણ પીએમ મોદી વિધાનસભ્યોને અને મંત્રીઓને માર્ગદર્શન આપશે. પીએમ મોદીની આ માર્ગદર્શન સભામાં કોઈને મોબાઈલ ફોન લઈ જવા દેવામાં આવશે નહીં. તમામ નેતાઓએ તેમના મોબાઈલ ફોન ગેટ પર જમા કરાવવાના રહેશે.

એમ માનવામાં આવે છે કે પીએમ મોદી મહાયુતિના તમામ વિધાન સભ્યોને તેઓના મતવિસ્તાર અંગે કેટલાક સવાલ પૂછી શકે છે જેમ કે તમે જનતા સાથે સંપર્કમાં રહો છો? તેમની સાથે કેવી રીતે વાત કરો છો? તેમના પ્રશ્નો કેવી રીતે હાલ કરો છો અને કેટલા સમયમાં હાલ કરો છો? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને યોજનાઓને લોકો સુધી કેવી રીતે પહોંચાડો છો? એવા સવાલ તેઓ પૂછી શકે છે. તે જોતા એમ લાગી રહ્યું છે કે પીએમ મોદી મહાયુતિના નેતાઓના રીતસરના ક્લાસ જ લેશે.

રાજ્યમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધન સરકાર આવ્યા બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર મુંબઈમાં આવી રહ્યા છે. અગાઉ પાંચમી ડિસેમ્બરે મહાયુતિ સરકારના મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહ વખતે તેઓ મુંબઇ પધાર્યા હતા.

પીએમ મોદી બપોરે સાડા ત્રણ વાગે નવી મુંબઈ ખાતે ઇસ્કોન મંદિરનું ઉદઘાટન કરશે. છેલ્લા 12 વર્ષથી શરૂ થયેલું આ ભવ્ય મંદિરનું નિર્માણ હવે પૂરું થયું છે. સફેદ અને ભૂરા માર્બલથીના પથ્થરોથી બનાવવામાં આવેલું આ મંદિર વૈદિક શિક્ષણ, વૈશ્વિક ભાઈચારો અને શાંતિ અને પરમાર્થનો સંદેશો આપે છે. પીએમ મોદીના આગમન માટે ઇસ્કોન મંદિરથી થોડે દૂર એક હેલીપેડ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…મહાકુંભ મેળામાંથી ઘરે આવીને કરજો આટલું કામ, થશે સૌભાગ્યમાં વૃદ્ધિ

પીએમ મોદીની મુલાકાતને લઈને નવી મુંબઈમાં પણ સઘન પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમ મોદીના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઇસ્કોનની શરૂઆત ભારતમાં ૧૯૬૬માં ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં 400 થી વધુ ઇસ્કોન મંદિરો અને કેન્દ્રો છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button