Indian Army Day 2025: ભારતીય સેના દિવસ 15 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. ભારતીય સેનાની વીરતા અને સમર્પણને સન્માનિત કરવાનો આ દિવસ છે. આ દિવસ 1949માં જનરલ કેએમ કરિયપ્પાએ ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફના રૂપમાં પદભાર સંભાળ્યાની યાદમાં મનાવવામાં આવે છે. ભારતીય સેના દ્વારા આ દિવસે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં સૈનિકોના યોગદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસ ભારતીય સેનાની શૌર્ય ગાથા તથા દેશની સુરક્ષામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને પ્રદર્શિત કરે છે.
શું છે આ દિવસનો ઇતિહાસ
ભારતીય સેના દિવસ 15 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતીય સેનાના બહાદુરી અને તેના યોગદાનને સલામ કરવાનો અવસર છે. ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ જનરલ કેએમ કરિયપ્પા હતા. તેમણે 15 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય સેનાની કમાન સંભાળી હતી. તેઓ આ દિવે ભારતીય સેનાના પ્રમુખ બન્યા અને વિભાજન બાદ ભારતીય સેનાને ફરી સંગઠિત કરી હતી.
ફીલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાને કિપરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે 1919માં કિંગ્સ કમીશન મેળવ્યું હતું. બ્રિટનના સેંડહર્સ્ટમાં રોયલ મિલિટ્રી કૉલેજમાં ભારતીય કેડેટના પ્રથમ ગ્રુપનો હિસ્સો હતા. ફીલ્ડ માર્શલ કરિયપ્પા ક્વેટાની સ્ટાફ કોલેજમાં એડમિશન લેનારા પ્રથમ ભારતીય અને બટાલિયનની કમાન સંભાળનારા પણ પ્રથમ ભારતીય હતા. 1942માં તેમણે 7મી રાજપૂત મશીન ગન બટાલિયનની સ્થાપના કરી હતી. જે બાદમાં 17મીં રાજપૂત બટાલિયનના નામથી ઓળખાય છે. 1986માં કેએમ કરિયપ્પાને ફીલ્ડ માર્શલના પદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1993માં 94 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.
77મી આર્મી ડે પરેડનું આયોજન મહારાષ્ટ્રના પુણેમાં કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા આ દિવસની શુભકામના આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈથી આએનએસ સુરત, આએનએસ નિલગીરી અને આઈએનએસ વાઘશીર દેશને અર્પણ કરશે.
ભારતીય સેના દિવસના કેટલાક ક્વોટ
ભારતીય સેનાના વીર સપૂતોને સલામ. જીવની ચિંતા કર્યા વગર તેમણે દેશની સુરક્ષા કરી છે. હેપ્પી આર્મી ડે.
ભારતીય સેનાના બહાદુરી અને બલિદાનને ક્યારેય ભૂલાવી ન શકાય. આર્મી ડેની શુભકામના.
ભારતની શાન અને સુરક્ષામાં ભારતીય સેનાનું અમૂલ્ય યોગદાન છે. આર્મી ડે પર તેમના સાહસને સલામ કરીએ છીએ.
આપણા સૈનિકોની વીરતા અને બલિદાન જ આપણી તાકાત છે. ભારતીય સેના દિવસ પર તેમને નમન.
ભારતીય સેનાએ હંમેશા આપણને ગૌરવ અપાવ્યું છે. તેમના અદ્વિતીય સાહસ અને વીરતાને સલામ. હેપ્પી આર્મી ડે