Australian Open 2025: મેડવેડેવે પોતાના પરનો ગુસ્સો રૅકેટથી કાઢ્યો, નેટમાં લગાડેલા કૅમેરા તોડી નાખ્યા
મેલબર્નઃ અહીં શરૂ થયેલી વર્ષની પ્રથમ ગૅ્રન્ડ સ્લૅમ ટેનિસ સ્પર્ધા ઑસ્ટ્રેલિયન ઓપનના પહેલા રાઉન્ડ દરમ્યાન રશિયાનો વર્લ્ડ નંબર-ફાઇવ ટેનિસ પ્લેયર ડેનિલ મેડવેડેવ હરીફ ખેલાડીના જડબાતોડ જવાબથી એટલો બધો તંગ થઈ ગયો હતો અને પોતાની ભૂલથી ત્રસ્ત હતો કે એક તબક્કે તેણે વારંવાર નેટના વચ્ચેના ભાગમાં રૅકેટ પછાડ્યું હતું જેને લીધે નેટમાં લગાડવામાં આવેલા કૅમેરા તૂટી ગયા હતા. મેડવેડેવ ગયા વર્ષની ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ સુધી પહોંચ્યો હતો. બે વર્ષ પહેલાં તે વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી હતો, પણ હાલમાં પાંચમા નંબર સુધી ઊતરી ગયો છે. વિશ્વમાં 418મી રૅન્ક ધરાવતો થાઇલૅન્ડનો કૅસિડિટ સામ્રેજ નામનો ખેલાડી વાઇલ્ડ કાર્ડ મારફત આ ટૂર્નામેન્ટમાં આવ્યો હતો. તેણે મેડવેડેવને ખૂબ હંફાવ્યો હતો. છેલ્લે મેડવેડેવ પાંચ સેટના ભારે સંઘર્ષ બાદ 6-2, 4-6, 3-6, 6-1, 6-2થી જીતી ગયો હતો, પણ તે રિધમ પાછું નહોતો મેળવી શક્તો એટલે પોતાના પર જ ગુસ્સે હતો. ખરેખર તો તે 418મી રૅન્કના સામ્રેજ સામે આસાનીથી આ મૅચ જીતવા માગતો હતો, પણ પોતાના પર્ફોર્મન્સથી નારાજ હતો જેને લીધે તેણે રૅકેટ નેટ પર પછાડીને નેટમાંના કૅમેરાનો અજાણતા નાશ કરી નાખ્યો હતો. સામ્રેજ સામે મેડવેડેવ બે સેટ હાર્યો હોવાથી પોતાના જ પર જ નારાજ હતો.
Also read: ઑસ્ટ્રેલિયન ઓપનમાં મેજર અપસેટ: વર્લ્ડ નંબર-વનને નવીસવી ટીનેજરે હરાવી દીધી
મેડવેડેવ વહેલો મેલબર્ન આવીને પ્રૅક્ટિસ શરૂ કરી દેવા માગતો હતો, પણ તેની પાર્ટનરે બીજા બાળકને જન્મ આપ્યો હોવાથી તેનું (મેડવેડેવનું) મેલબર્ન આવવાનું થોડું મોડું થયું હતું. દરમ્યાન, ભારતનો 43 વર્ષીય રોહન બોપન્ના 2024ની ઑસ્ટ્રેલિયન ઓપનમાં સૌથી મોટી ઉંમરનો ડબલ્સનો તાજ જીતનાર ચૅમ્પિયન બન્યો હતો, પરંતુ આ વખતે પહેલા જ રાઉન્ડમાં તેની એક્ઝિટ થઈ ગઈ છે. તે અને કોલમ્બિયાના તેના નવા જોડીદાર નિકોલસ બૅરિયેન્ટૉસનો સ્પેનના પેડ્રો માર્ટિનેઝ અને જૉમી મુનાર સામે 5-7, 6-8થી પરાજય થયો હતો.