આપણું ગુજરાત

અમરેલી લેટરકાંડમાં પોલીસ કાર્યવાહી પર બોલ્યા વિજય રૂપાણી અને દિલીપ સંઘાણી

અમદાવાદઃ અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસનાં નેતાઓ મેદાને આવ્યા છે. અમરેલી બાદ સુરતમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા ‘નારી સ્વાભિમાન આંદોલન’ યોજી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈ હવે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સહકારી નેતા દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું હતું.

પાયલ સાથે જે થયું તેની તપાસ થવી જોઈએ અમરેલી પત્રકાંડને મામલે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પાયલ સાથે જે થયું તેની તપાસ થવી જોઈએ. જે તે પોલીસકર્મી સામે પગલાં પણ લેવાવા જોઈએ. તેમણે કહ્યું કે, પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. નવા સંગઠન મુદ્દે વિજય રૂપાણીએ માહિતી આપી હતી કે, ભાજપ પાર્ટી લોકતાંત્રિક ઢબે ચાલે છે. સમય-સમયે આંતરિક ચૂંટણીઓ કરે છે. સંગઠન મુદ્દે પાર્ટી એકમતે નિર્ણય કરશે.

દિલીપ સંઘાણીએ પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા બીજી તરફ સહકારી નેતા અને ઈફ્ફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા, સંઘાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આ મુદ્દાને રાજકીય દૃષ્ટિકોણથી નથી જોતા. તેમણે જણાવ્યું હતું કે પાયલનું સરઘસ કાઢવું, આક્ષેપ મુજબ માર મારવો અને લાંબી સજાવાળી કલમો લગાવવી એ વધુ પડતું છે. સરકારે નિર્લિપ્ત રાયને સોંપેલી તપાસ પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, મૂળ કેસમાં લાગેલી કલમોની પણ ચકાસણી થવી જોઈએ.

Also read: અમરેલી લેટર કાંડઃ પાયલ ગોટીએ શું લગાવ્યો સનસનીખેજ આરોપ?

પાયલ ગોટીની જેલ મુલાકાત અંગે સંઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભાજપના પાયાના કાર્યકર્તા છે અને પક્ષ વતી તેમને ગણી શકાય. વકીલ અને પૂર્વ કાયદાપ્રધાન તરીકે તેમણે જેલના નિયમોનું પાલન કરીને મુલાકાત લીધી હતી. લેટર અંગે તેમણે કહ્યું કે તપાસમાં સત્ય બહાર આવશે અને પત્રની જાહેરમાં ચકાસણી થવી જોઈએ. પોલીસની ઓવરએક્શનથી સરકારને બદનામી મળે છે અને સરકારે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે વિપક્ષને પણ સલાહ આપી કે આ મુદ્દે આરતી ન ઉતારતા સત્ય હકીકત બહાર લાવવા પર ધ્યાન આપવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button