નેશનલ

CISFના વિસ્તરણને ગૃહ મંત્રાલયે આપી મંજૂરી; 2,000થી વધુ રોજગારની નવી તકોનું નિર્માણ થશે

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના વિસ્તરણ માટે બે નવી બટાલિયનની રચનાને લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણય બાદ CISFની ક્ષમતા વધારવા તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય પછી દળમાં 2000 થી વધુ લોકો માટે રોજગારની તકો ઉભી થશે.

CISFના મોટા વિસ્તરણને મંજૂરી

ગૃહ મંત્રાલયે CISFના મોટા વિસ્તરણને મંજૂરી આપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હવે CISFમાં બે નવી બટાલિયનની રચના કરવામાં આવશે. બંને બટાલિયનને જોડીને કુલ 2050 પોસ્ટ બનાવવામાં આવશે. બંને બટાલિયન માટે 1025 ની સમાન પોસ્ટ નક્કી કરવામાં આવી છે.

CISFના મહાનિરીક્ષક અજય દહિયાએ જણાવ્યું હતું કે, “નવી સંખ્યા હાલના કર્મચારીઓ પરનો તણાવ ઘટાડશે અને કર્મચારીઓ માટે સારી રજા અને સાપ્તાહિક રાહત તકોમાં પરિવર્તન થશે.

આપણ વાંચો: “730 જવાનોએ કરી આત્મહત્યા” ગૃહ મંત્રાલયે સંસદમાં રજૂ કર્યા ચોંકાવનારા આંકડા…

2,000થી વધુ રોજગારની નવી તકો

CISFના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ગૃહ મંત્રાલયે બે નવી બટાલિયનની રચનાને મંજૂરી આપીને CISFના નોંધપાત્ર વિસ્તરણને મંજૂરી આપી છે. આ નિર્ણય,તાજેતરમાં મંજૂર કરાયેલ મહિલા બટાલિયન સાથે, દળની ક્ષમતામાં વધારો કરશે, રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે અને 2,000 થી વધુ વ્યક્તિઓ માટે રોજગારની નવી તકો ઊભી કરશે.”

CISFમાં 12 રિઝર્વ બટાલિયન

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં CISFમાં 12 રિઝર્વ બટાલિયન છે, જેમાં પ્રત્યેકમાં 1025 જવાનો છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવી બટાલિયનો આંતરિક સુરક્ષા સંબંધિત તાત્કાલિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રશિક્ષિત કર્મચારીઓનો એક સમૂહ બનાવીને CISFની વધતી માંગણીઓને પૂર્ણ કરવામાં પણ મહત્વપૂર્ણ બનશે.

આપણ વાંચો: અર્જુન એવોર્ડ વિજેતા CRPF અધિકારી બળાત્કાર કેસનાં દોષીત; ગૃહ મંત્રાલયે કર્યા ફરજમુક્ત

વર્ષ 1969માં રચાયેલ CISF પાસે દેશના 68 નાગરિક એરપોર્ટની સુરક્ષાની જવાબદારી છે. આ ઉપરાંત પરમાણુ અને એરોસ્પેસ ક્ષેત્રના અનેક સ્થાપનો અને તાજમહેલ અને લાલ કિલ્લા જેવા ઐતિહાસિક સ્મારકોને આતંકવાદ વિરોધી સુરક્ષા પૂરી પાડે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button