મહારાષ્ટ્રમાં બનશે નવા 21 જિલ્લા?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં વહીવટી અને સ્થાનિક વિકાસની ગતિ વધારવાના હેતુથી રાજ્યમાં 21 નવા જિલ્લા નિર્માણ કરવાનું પ્રસ્તાવિત છે. અત્યારે એવી અટકળો છે કે 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસે) આ બાબતે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. રાજ્યમાં અત્યારે 35 જિલ્લા છે અને તેનું વિભાજન-ત્રિભાજન-ચર્તુભાજન કરીને નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવશે.
મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી આધારભૂત માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી જિલ્લા-તાલુકા અભ્યાસ સમિતિનો અહેવાલ આવી ગયો છે અને તેમાં 21 નવા જિલ્લા અને 40 નવા તાલુકાનું નિર્માણ કરવાની ભલામણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ ભલામણને સ્વીકારીને નવા જિલ્લાના નિર્માણની જાહેરાત કરશે એવી શક્યતા છે.
આ પણ વાંચો: ‘લાડકી બહિણ’ યોજના બંધ થવા અંગે ફડણવીસે કરી સ્પષ્ટતા, જાણો હકીકત?
મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના પહેલી મે, 1960માં કરવામાં આવી હતી અને ત્યારે રાજ્યમાં ફક્ત 25 જિલ્લા હતા. અત્યારે રાજ્યમાં 35 જિલ્લા છે. રાજ્યમાં છેલ્લો જિલ્લો પાલઘરનો 2014માં બનાવવામાં આવ્યો હતો. તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ દ્વારા આ જિલ્લાના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી 10 વર્ષમાં એકેય નવા જિલ્લાનું ગઠન કરવામાં આવ્યું નથી.
સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ ગઠિત મુખ્ય સચિવની સમિતિએ રાજ્યમાં બાવીસ નવા જિલ્લા અને 49 નવા તાલુકાનું ગઠન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ સમિતિ દ્વારા પ્રસ્તાવિત મોટા ભાગના જિલ્લાને માન્યતા આપવામાં આવે એવી શક્યતા છે. 2017-18માં દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસ્તાવ પર વિચાર કરતાં કહ્યું હતું કે વહીવટી દૃષ્ટિએ નાના જિલ્લા વધુ સારા રહી શકે છે અને તેથી તેના પર સરકાર વિચાર કરી રહી છે. હવે રાજ્યમાં ફરી ફડણવીસની સરકાર હોવાથી આ પ્રસ્તાવ નક્કર સ્વરૂપ મેળવે એવી શક્યતા જોવાઈ રહી છે.
નવા જિલ્લાઓની સૂચિ અને મૂળ જિલ્લાઓનું વિભાજન
- ભુસાવલ (જળગાંવ)
- ઉદગીર (લાતુર)
- અંબેજોગાઈ (બીડ)
- માલેગાંવ (નાસિક)
- કળવણ (નાસિક)
- કિનવટ (નાંદેડ)
- મીરા-ભાયંદર (થાણે)
- કલ્યાણ (થાણે)
- માણદેશ (સાંગલી / સતારા / સોલાપુર)
- ખામગાંવ (બુલઢાણા)
- બારામતી (પુણે)
- પુસદ (યવતમાળ)
- જવાહર (પાલઘર)
- અચલપુર (અમરાવતી)
- સાકોલી (ભંડારા)
- મંડણગઢ (રત્નાગિરિ)
- મહાડ (રાયગઢ)
- શિર્ડી (અહમદનગર)
- સંગમનેર (અહમદનગર)
- શ્રીરામપુર (અહમદનગર)
- અહેરી (ગડચીરોલી)