નાશિકમાં ઝવેરી, તેના પુત્રએ ઝેર ગટગટાવી આયખું ટૂંકાવ્યું: દેવાને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની શંકા
નાશિક: નાશિકમાં 49 વર્ષના ઝવેરી અને તેના પુત્રએ ઝેર ગટગટાવીને આયખું ટૂંકાવ્યું હોવાની ઘટના સોમવારે પ્રકાશમાં આવી હતી. પિતા-પુત્રએ કરેલી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, પણ દેવાને કારણે તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસને લાગી રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. મૃતકોની ઓળખ પ્રશાંત આત્મારામશેઠ ગુરવ (49) અને તેના પુત્ર અભિષેક પ્રશાંત ગુરવ (28) તરીકે થઇ હતી, જેઓ પંચવટી નજીક રામરાજ્ય સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને સરાઝ બજાર વિસ્તારમાં ગુરવ એન્ડ સન્સ નામે દુકાન ધરાવતા હતા. પોલીસને ઝવેરીએ લખેલી સુસાઇડ નોટ ઘરમાંથી મળી આવી હતી, જેની તપાસ કરવામાં આવી રહી છે.
Also read: નાશિકમાં હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતાં ચાર જણનાં મોત, બે ઘવાયા
પોલીસના જણાવ્યા અનુસાર પ્રશાંત ગુરવ ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો, જ્યારે પુત્ર અભિષેકને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર ઝવેરીએ સોમવારે વહેલી સવારે ઝેર પીધું હતું. પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા, જેના અહેવાલમાં બંનેએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ મૃતકોના મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની તપાસ કરી રહી છે. ઘટનાને દિવસે પ્રશાંત ગુરવની પત્ની કર્ણાટક ગઇ હતી, એમ પોલીસે કહ્યું હતું. (PTI)