બુમરાહે કમિન્સને હરાવ્યો, પણ ઍનાબેલ સામે સ્મૃતિ મંધાના હારી ગઈ!
દુબઈઃ ભારતના મુખ્ય ફાસ્ટ બોલર અને ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે આઇસીસી મેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીતી લીધો છે. તેણે પ્રતિષ્ઠિત પુરસ્કાર માટેની દોડમાં ઑસ્ટ્રેલિયાના સફળ કૅપ્ટન પૅટ કમિન્સને પરાસ્ત કર્યો છે. મહિલાઓમાં ઑસ્ટ્રેલિયાની ઍનાબેલ સધરલૅન્ડ બીજી વાર મહિલા વર્ગનો પ્લેયર ઑફ ધ મન્થ પુરસ્કાર જીતી છે અને ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાને એ પુરસ્કાર નથી મળી શક્યો.
બુમરાહ બીજી વાર આ અવૉર્ડ જીત્યો છે અને એની દોડમાં તેની સામે સાઉથ આફ્રિકાનો પેસ બોલર ડેન પેટરસન પણ હરાવી દીધો છે.
બુમરાહે બીજી વાર આ પુરસ્કાર હાંસલ કર્યો છે. તાજેતરની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં અસાધારણ પર્ફોર્મ કરવા બદલ તેને આ પુરસ્કારથી નવાજવામાં આવશે. તેણે એ શ્રેણીમાં સૌથી વધુ 32 વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ-સિરીઝમાં સૌથી વધુ 31 વિકેટ લેવાનો બિશનસિંહ બેદીનો 46 વર્ષ જૂનો ભારતીય વિક્રમ બુમરાહે તોડ્યો હતો.
આ પુરસ્કાર 2024ના વર્ષના પર્ફોર્મન્સ બદલ મળ્યો છે અને એ વર્ષમાં તેણે 71 ટેસ્ટ વિકેટ લીધી હતી. ડિસેમ્બરમાં તેણે ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ ટેસ્ટમાં બાવીસ વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયામાં ભારત હાર્યું, પણ અમદાવાદી બુમરાહનું નામ હજીયે ગૂંજે છે
બુમરાહે આઇસીસીને પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીત્યા પછી કહ્યું કે `ડિસેમ્બરનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીતવા બદલ મને ઘણી ખુશી થઈ છે. હંમેશાં વ્યક્તિગત પુરસ્કાર માટે સિલેક્ટ થાઈએ ત્યારે ખૂબ રોમાંચિત થઈ જવાય. બોર્ડર-ગાવસકર ટ્રોફી અત્યાર સુધીની સૌથી મોટી પડકારરૂપ સિરીઝોમાંથી એક હતી. ઑસ્ટ્રેલિયા જઈને પોતાના દેશ વતી પ્રદર્શન કરવું મોટું સન્માન કહેવાય.’
દરમ્યાન, ઑસ્ટ્રેલિયાની 23 વર્ષની પેસ બોલિંગ ઑલરાઉન્ડર ઍનાબેલ સધરલૅન્ડ વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીતી છે.