Mahakumbh: નાગા સાધુઓએ પ્રથમ અમૃત સ્નાન કર્યું, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જુઓ અદ્ભુત દ્રશ્યો…
પ્રયાગરાજ: કરોડો ભક્તોની રાહનો અંત આવ્યો છે, ગઈ કાલે પોષ પૂર્ણિમાના દિવસથી પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની શરૂઆત થઇ ગઈ છે, આજે મકરસંક્રાંતિના દિવસે પ્રથમ અમૃત સ્નાન ચાલી (Amrit Snan in Mahakumbh 2025) રહ્યું છે. વહેલી સવારે હજારો નાગા સાધુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મહાનિર્વાણીના નાગા સાધુઓએ મહાકુંભના અમૃત સ્નાનમાં સૌપ્રથમ પવિત્ર ડૂબકી લાગાવી હતી. આ દરમિયાન સંગમના કિનારે અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે, જેનો ડ્રોન વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં અવી રહ્યો છે.
આ પણ વાંચો : કુંભમેળામાં વિખૂટા પડવાનું શરુઃ 250થી વધુ લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન
જયજયકારના નારા:
કડકડતી ઠંડીમાં પ્રયાગરાજમાં જાણે ભક્તિની ઘોડાપુર આવ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા છે. કુંભ મેળાનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો છે. શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા પ્રમાણે જયજયકાર કરી રહ્યા છે. પ્રયાગરાજનો સમગ્ર વિસ્તાર હર હર મહાદેવ, હર હર ગંગે, બજરંગ બલી કી જય, સિયારામ જય રામ, અને જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો.
ભક્તો બેકાબુ:
અમૃત સ્નાન માટે જતા નાગા તપસ્વીઓના ચરણોની રજ મેળવવા માટે મોડી રાતથી જ મોટી સંખ્યામાં ભક્તોએ અખાડા રોડ પર પડાવ નાખ્યો હતો. તૈનાત સુરક્ષા કર્મચારીઓએ તેમને ઘણી વખત દૂર હટાવવાની કોશિશ કરી, પરંતુ થોડા સમય પછી ભક્તો ફરીથી ત્યાં એકઠા થઇ જાય છે. મોડી રાત સુધી અખાડા માર્ગ પર હજારો શ્રદ્ધાળુઓ જોવા મળ્યા.
યોગી આદિત્યનાથે પાઠવી શુભેચ્છા:
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સીએમ યોગી આદિત્યનાથે X પર મહાકુંભના શુભેચ્છાઓ પાઠવી. તેમણે લખ્યું કે આ આપણી શાશ્વત સંસ્કૃતિ અને શ્રદ્ધાની જીવંત અભિવ્યક્તિ છે. પ્રયાગરાજમાં મહાકુંભ-2025માં આજે મકરસંક્રાંતિના શુભ અવસર પર 1.38 કરોડથી વધુ ભક્તોને પવિત્ર સંગમ ખાતે પ્રથમ ‘અમૃત સ્નાન’ કરવાનો લહાવો મળ્યો છે. માતા ગંગા સૌનું કલ્યાણ કરે!
સ્નાનનો સમય:
અખાડાના સંતો અને નાગોના અમૃત સ્નાન માટે સ્નાન કરવાનો સમય નિશ્ચિત હોય છે. સૌ પ્રથમ, મહાનનિર્વાણિ અને અટલ અખાડાના સંતોએ સ્નાન કર્યું. આ અખાડાના સંતો સવારે લગભગ 5:15 વાગ્યે છાવણી છોડીને ગયા અને 6:15 વાગ્યે સંગમ પહોંચ્યા. લગભગ 40 મિનિટ સુધી અમૃત સ્નાન કર્યું. આ પછી, નિરંજની અને આનંદ અખાડાના સંતોએ 7.05 વાગ્યે સ્નાન કર્યું. ત્યારબાદ જુના આવાહન અને પંચ અગ્નિ અખાડાના સંતોએ સવારે 8 વાગ્યે સાથે સ્નાન કર્યું.
અદભુત નજારો:
પ્રથમ અમૃત સ્નાન પ્રસંગે, લવલી ભીમસેન નામના ગાયક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેઓ પુરુષ અને સ્ત્રી બંનેના અવાજમાં મહાકુંભનું ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. સાધુઓનું એક જૂથ ઢોલના તાલે રામધૂન ગાઈ રહ્યું છે, તો ક્યાંક સાધુઓનું જૂથ કરતાલ સાથે ભજન ગાઈ રહ્યું છે. લોકો તેમની શ્રદ્ધા અનુસાર સાધુઓને દાન આપી રહ્યા છે.
આ પણ વાંચો : મહાકુંભમાં વિદેશીઓને પડ્યો ‘જલસો’: કહ્યું આઈ લવ ઈન્ડિયા
કડક સુરક્ષા વ્યવસ્થા:
‘સ્નાન’ વિસ્તાર તરફ જતા અખાડા રોડ પર કડક સુરક્ષા વ્યવસ્થા છે. અખાડાઓ સાથે ઘોડેસવાર પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આજે ઘાટ પર ભારે ભીડ જામી છે. અમારા બધા અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત છે… અમારા બધા કંટ્રોલ રૂમ દ્વારા તેનું સતત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે… બધા જ રેડ એલર્ટ પર છે. અમારો પ્રયાસ એ છે કે સ્નાન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય.