આમચી મુંબઈટોપ ન્યૂઝ

ઉધારી વધતા પાલિકાની હૉસ્પિટલોમાં દવાનો પુરવઠો ખોરવાયો…

મુંબઇઃ દેશની સૌથી ધનિક ગણાતી મુંબઇ મહાનગર પાલિકાએ સરકારી હૉસ્પિટલોમાં દવાનો પુરવઠો કરતા સપ્લાયરોના લેણાની ચૂકવણી કરી ના હોવાથી મુંબઇમાં બીએમસી સંચાલિત 27 સરકારી હૉસ્પિટલનો દવાઓનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. દવાઓનો પુરવઠો ખોરવાઇ જતા મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોના સરકારી હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકો માટે મુશ્કેલી ઊભી થઇ છે અને તેઓ આ સમસ્યાનો જલદીથી ઉકેલ આવે એવું ઇચ્છી રહ્યા છે.

આ પણ વાંચો : મુંબઈ શેરબજારમાં ઈન્ટ્રા ડેમાં કેમ બોલાયો કડાકો, જાણી લો ફટાફટ કારણો?

મળતી માહિતી મુજબ ઓલ ફૂડ એન્ડ ડ્રગ લાયસન્સ હોલ્ડર્સ ફાઉન્ડેશન (AFDLFH) મુંબઇમાં દવાઓ અને તબીબી રીતે જરૂરી વસ્તુઓના દોઢસોથી વધુ વિક્રેતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સોમવારથી પાલિકા સંચાલિત હૉસ્પિટલોને દવાની સપ્લાય રોકી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે છેલ્લા ચાર વર્ષથી તેમના પેન્ડિંગ નાણા ચૂકવવામાં આવ્યા નથી અને હવે તેઓ વધુ સમય સુધી ઉધારીમાં દવા સપ્લાય કરી શકે તેમ નથી અને તેમણે પેન્ડિંગ નીકળતી રકમની ચૂકવણી ના થાય ત્યાં સુધી દવાની સપ્લાય રોકી દેવાનો સામૂહિક રીતે નિર્ણય કર્યો છે.

AFDLFHના જણાવ્યા મુજબ તેમના બીએમસી પાસેથી લગભગ 120 કરોડ રૂપિયા લેણા નીકળે છે. આ ઉપરાંત તેમણે કોન્ટ્રાક્ટ કરતી વખતે લીધેલી અર્નેસ્ટ મની ડ઼િપોઝીટની રકમ પણ પાછી ચૂકવી નથી. છેલ્લા છ મહિનાથી તો બીએમસી તરફથી બિલ્કુલ પેમેન્ટ કરવામાં આવ્યું નથી. પેમેન્ટ ચૂકવણીમાં વિલંબ અસહ્ય છે. વારંવાર રિમાઇન્ડર કરવા છતાં પણ પેમેન્ટ કરવામાં આવતું નથી.

AFDLFHએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ દર્દીઓની સુખાકારી અને સેવા કરવાનું જ ઇચ્છે છે. તેઓ નથી ઇચ્છતા કે દર્દીઓને કોઇ પણ સમસ્યાઓનો સામનો કરવો પડે. તેમને વાંધો બીએમસી સાથે છે, દર્દીઓ સાથે નથી. બીએમસી તેમને લેણાની ચૂકવણી નથી કરી રહી. વારંવાર તાકીદ કરવા છતાં પણ તેમની સમસ્યાનો ઉકેલ ના આવતા આખરે થાકીને તેમણે દવાનો પુરવઠઓ રોકવાનું પગલું ભરવું પડ્યું છે.

આ મામલે બીએમસીની પ્રતિક્રિયા શું છે

AFDLFHએ આ મામલે બીએમસી કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને તેમને વસ્તુસ્થિતિનો ચિતાર આપ્યો હતો. દરમિયાન બીએમસીના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર સંજય કુહાર્ડેએ જણાવ્યું હતું કે આ સમસ્યાના ઉકેલના અને દવાની કટોકટી નિવારવાના પ્રયાસો જારી છે. હાલની ઉધારીની રકમ 120 કરોડ રૂપિયાથી ઓછી છે. આ નાણાની ચૂકવણી માટે સંબંધિત વિભાગ સાથે બેઠક કરવામાં આવી છે.

આ પણ વાંચો : સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે ઠાકરે જૂથના સ્વબળના વલણ પાછળ શું કારણ છે?

નોંધનીય છે કે મોટા ભાગના લોકો તબીબી સેવા માટે સરકારી હૉસ્પિટલો અને દવાખાનાઓ પર આધાર રાખતા હોય છે. તેમનો મુખ્ય ઉદેશ નાણા રળવાનો નહીં પણ લોકોની સેવા કરવાનો હોય છે. ત્યાં લોકોને ઘણી કિફાયતી ભાવે દવા અને જરૂરી સારવાર મળી રહે છે. જે ઉપચાર માટે ખાનગી હૉસ્પિટલો અઠવાડિયાની દવા અને સારવારનો ખર્ચ કરાવે છે તે દર્દીઓ સરકારી હૉસ્પિટલો અને દવાખાનાઓમાં દવાના માત્ર એકાદ બે ડોઝથી જ સાજા થઇ જાય છે. તેથી જ સરકારી દવાખાનાઓમાં લોકોની રીતસર લાઇન લાગતી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button