તંગ કરે પતંગ….
મોજની ખોજ -સુભાષ ઠાકર
ચંપક હાંફતો હાંફતો ભાગતો હતો ને સામે ચંબુ પણ એ જ હાલતમાં દોડતો દોડતો આવ્યો ને ચંબુએ પૂછ્યું : ‘અલ્યા ચંપક, શું થયું? કેમ આમ હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એમ દોડાદોડ કરે છે?’ ‘ચંબુડા, હવે તો હું પોતે જ હડકાયો માણસ બની જઈશ. અરે ભૈ, શોધવા નીકળ્યો છું મારી ચતુર ચમેલીને. સાલું, જેને સાત ભવ સાથ આપવાનું વચન આપેલું ને હજી લગ્નને સાત દિવસ નથી થયા ને આજે બાઇકમા પંકચર પડ્યું તો પેલી એકલી રિક્ષા કરી જતી રહી. બકા. આવી વાઈફ વસાવો કે ન વસાવો શું ફેર પડે? ભગવાન, જાણે ક્યાં ગઈ હશે’ ચંપક પાછો હાંફવા ઉપર આવી ગયો. ‘શાંત બકા શાંત,આટલામાં જ ગઈ હશે. તું બરાબર ન સાચવે તો જતી પણ રહે. બાકી સાત દિવસમાં..’
‘અરે ચંબુ ડોબા, પોતાની માની જણી સગી બેનની જેમ સાચવતો-જાળવતો..’ ‘અરે, તો તો ભાગી જ જાય ને ટોપા, એના પરિવારે તારી સાથે થપ્પો રમવા થોડી મોકલી હતી?’ ‘અરે, મને તો હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એમ ભાગું છું, પણ તું કેમ કોઈ ઉઘરાણીવાળો પાછળ પડ્યો હોય એમ ભાગે છે?’ ‘શું કઉ ચંપક, સેમ પ્રોબ્લેમ….આજે સાત દિવસ થયા. જેને મેં સાત ભવ જીવન-મરણ સાથે રહેવાના કોલ આપેલા એને આજે સાત કોલ કરું તો મારો એક પણ કોલ નથી ઉપાડતી. એ જવા દે, પણ તારાવાળી દેખાવમાં કેવી છે એનું જરા વર્ણન કર તો’ ચંબુએ પૂછ્યું
‘અરે, સોલીડ’ ચંપક બોલ્યો : ‘એની સામે ભલભલી હીરોઈનો પણ પાણી ભરે.. અરે, એ પાણી પીએ તો ગળામાંથી ખળખળ વહેતું ઝરણું દેખાય, ધોળા દૂધ જેવો ચહેરો, સફરજન જેવા ગાલ, ચીકુની ચીર જેવી બે આંખ, ગુલાબની પાંખડી જેવા બે હોઠ, દાડમની કાળી જેવા દાંત..’ ‘વાહ, ક્યા બાત હૈ સાલા ચંપાકિયા, આ તો તારી વાઈફ છે કે ફ્રૂટસેલેડનું તપેલું?’ ‘ચંબુ, હવે તારાવાળીનું તો બોલ… દેખાવમાં કેવી લાગે છે?’ ‘મારીને માર ગોળી, આપણે તારીને જ ગોતીએ. એક કરતાં બે ભલા, તારી આવી રૂપાળી ને ગોતવાની મજા કઇ ઓર જ છે, ચાલો, સાથે નીકળી..’
‘અરે ચૂપ’ ચંબુના જવાબથી ચંપકનું મગજ સમસમી ગયું: ‘અલ્યા ચરકટ, તું મને કહે છે? સાલા, તારો પતંગ બરાબર ન હોય તો મારા પતંગ પર ડોળો નાખવાનો? ખબરદાર… જો બીજીવાર નાનકડો ડોળો પણ મારી પતંગ બાજુ નાખ્યો તો ડોળો કાઢી હાથમાં આપી દઇશ, સમજ્યો?’. ચંપકની ધમકીથી ચંબુ ગભરાયો પછી ટાયરમાંથી હવા નીકળતી હોય એવા સિસકારા સાથે બોલ્યો : ‘અલ્યા ભૈ, આ તો તે કીધું કે સગી બેનની જેમ રાખતો હતો એટલે કદાચ મારા ઘરે પણ ગઈ હોય ને મારા વાળી પણ નથી એટલે ..’ ‘ચૂઉઉઉપ બિલકુલ ચૂ…પ’ ચંપકે રાડ નાખી: ‘તને આવો વિચાર આવતા બ્રેન હેમરેજ કેમ ન થઈ ગયું. સાલા મારું ધાબું, મારો પતંગ, મારો માંજો, મારી ફીરકી. જરાક ઢીલ આપી એટલે પતંગ તારો થઈ ગયો…? કાન ખોલીને સોરી, કાન તો ખુલ્લા જ હોય પણ સાંભળી લે, મારો પતંગ કોઈના પગ નીચે આવી ફાટી જાય, કચડાઈ જાય, ચગદાઈ જાય, તરડાઈ જાય, કાગળના ચૂરેચૂરા થઈ જાય બધી સળીઓ નીકળી જાય આખેઆખો ઢઢ્ઢો મરડાઈ જાય ને એનુ અકાળે અવસાન થઈ જાય પણ તારે એને ગુંદરપટ્ટી કે પુંછડી લગાડી ઉડાડવાનો ભૂલથી પણ ટ્રાય કરવાનો નથી નથી ને નથી, સમજ્યો? તને શોખ હોય તો તારો પતંગ જેવો હોય એવો એને ઉડાડવો હોય તો ઉડાડ, ચગાવવો હોય તો ચગાવ ન ફાવે તો તારી જ દુકાનમાં રાખી મૂકવાનો, પણ મારી આ મોર્નિંગની વોર્નિંગ છે કે તે ચગાવીને જો મારા પતંગ સાથે પેચ લડાવવાનો ટ્રાય પણ કર્યો તો તારી હાલત એવી કરી દઇશ કે તારી જ ચંપા તને જીંદગીભર સગા ભાઈની જેમ રાખતી થઈ જશે. પછી કહેતો નઇ કે ભગો બોલ્યો નઈ’.
આટલી હૈયા વરાળ કાઢી પછી શાંતિથી ચંપક બોલ્યો: ‘જો ચંબુ આપણે આપણા ઘરમાં આપણી તુંક્કલને સાચવવાની. ઘરમાં ઇડલી વડા સારા સ્વાદિષ્ટ બનતા હોય તો બહારની ઉપમા ઉપર ધ્યાન નઇ આપવાનું. સમજાય છે?’ ‘બહુ ટ્રાય કર્યો, બકા… પણ આ બાજુમાં કોઈની કપાયેલી નાનકડી તુક્કલ પણ આવી તો મન પલળે પલળેને પલળે, એક વાત નક્કી કે આ પતંગ જેવો કોઈ ગુરુ નથી’ ચંબુ બોલ્યો ‘પતંગ જેવો ગુરુ? આ તો મારુ બેટુ જબરું,,કઇ રીતે? સમજાવ, બકા’ ‘જો, પતંગ અને જિંદગી જ્યાં સુધી ઊંચાઇ પર છે ત્યાં સુધી જ વાહ વાહ છે. ને આ પતંગ નામ આવ્યું ક્યાંથી? કઇ ફૈબાએ પાડ્યું ખબર છે?’ હા પાંચ (5)ચીજ જીવનમાં આપણને તંગ કરે છે. એટલે પતંગ. કંઇ કંઇ તને ખબર છે?
‘યસ મોબઇલમાં બેઠેલા ફેસબુક, ટ્વિટર વોટ્સએપ, યુ ટુયુબ, ઇન્સ્ટાગ્રામના હવે ટોપા એ પાંચ એટલે આપણા મનમાં બેઠેલા કામ,ક્રોધ,મોહ લોભ અને અહંકાર. ને આમ તો પતંગ માણસ જેવા જ છે. જ્યાં સુધી દુકાનમાં હોય ત્યાં સુધી કેવી શાંત પહેલી બીજીમાં, બીજી ત્રીજીમાં, ત્રીજી ચોથીમાં, ચોથી પાંચમીમાં,… લોકલ ટ્રેનના મુસાફરની જેમ ચીટકેલા રહે છે પણ જેવી અલગ અલગ કરી, માંજો બાંધ્યો ને ને ઠૂમકો મારી ઉપર ચગાવી તો જે પતંગ એકબીજાને ગળે વળગીને રહેતી એ જ પતંગ એકબીજાને કાપવાની તૈયારી કરે છે.
બકા, યાદ રાખ પતંગ બની ઉડવું હજી સહેલું છે બહુ અઘરું છે દોરો બની કોઈને સાથ આપવાનું. આપણા જીવનમાં પણ આવું જ છે કોઈને પદનો, કોઈને પ્રતિષ્ઠાનો, કોઈને ઈર્ષાનો, કોઈને અહંકારનો, કોઈને જ્ઞાનનો તો કોઈને ત્યાગનો માંજો લાગે છે પછી ઉપર ગયા પછી બીજાના પતંગને કાપ્યા સિવાય કોઈ કામ કર્યું નથી. બસ, તને કાપુ ને આગળ નીકળું..બકા, આપણે કેટલાના પતંગ કાપશું? એટલે બાબા સુભાષાનંદ અંતમાં એટલું જ કહે છે કે માંજામાં દાંતી પડવાની ખબર પડે ત્યારથી કપાવાની તૈયારી રાખવાની .. જયહિન્દ .. ! શું કહો છો ?