મુંબઈમાં અસ્તિત્વ માટેનો સંઘર્ષ! ઉદ્ધવ ઠાકરેનો શક્ય તેટલી વધુ બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રયાસ
મુંબઈ: વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ભારે હારનો સામનો કરવો પડ્યો છે તેથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ટકી રહેવા માટે ખાસ કરીને મુંબઈમાં શક્ય તેટલી વધુ બેઠકો પર ચૂંટણી લડવી પડશે. હિન્દુત્વના મુદ્દા પર તેમણે આક્રમક બનવું પડશે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી અંગે વાટાઘાટોમાં ઘણો તણાવ હતો. તેથી સમજી શકાય છે કે ઉદ્ધવ ઠાકરે અને તેમના પક્ષે મહા વિકાસ આઘાડીની મદદ લીધા વિના એકલા લડવાનું નક્કી કર્યું છે, જેથી નિર્ણય લેવામાં વધુ સ્વતંત્રતા મળી શકે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં વિરોધ પક્ષોના ઈન્ડિ ગઠબંધનમાં વિભાજન જોવા મળી રહ્યું છે, આવી જ રીતે મુંબઈ અને રાજ્યની બીજી મનપામાં શિવસેના (યુબીટી) અલગ ચોકો માંડવાની તૈયારી કરી રહી છે. એવું માનવામાં આવે છે કે ઉદ્ધવ ઠાકરેએ હારના કારણો સમજવા માટે છેલ્લા બે મહિનામાં પક્ષના તમામ પદાધિકારીઓની બેઠકોનું આયોજન કર્યા પછી હવે તેમને એવું લાગી રહ્યું છે કે એમવીએમાં લડવા કરતાં એકલપંડે ચૂંટણી લડવાથી વધુ ફાયદો થઈ શકે છે. આગામી મુંબઈ મનપાની ચૂંટણીઓ પણ પોતાના દમ પર લડવાનો નિર્ણય લીધો છે.
જો ઠાકરેનો પક્ષ વિધાનસભા ચૂંટણીમાં પોતાની હારની હતાશામાંથી બહાર નીકળવા માગતો હોય, તો તેણે મુંબઈ જીતવું પડશે. વધુમાં, આ તેમના પક્ષના અસ્તિત્વને જાળવી રાખવા માટે પણ અત્યંત આવશ્યક છે. જોકે, તેઓ એમવીએમાં રહેશે તો વધુ બેઠકો પર ચૂંટણી લડી શકશે નહીં. આમેય મુંબઈમાં પાર્ટીનું સંગઠન મજબૂત છે. જો ઓછી બેઠકો ફાળવવામાં આવે, તો તેમના પક્ષમાંથી ઘણા ઉમેદવારો અન્યત્ર સ્થળાંતર કરી શકે છે. જાણવા મળ્યું છે કે આ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરેએ પોતાના દમ પર લડવાનું પગલું ભર્યું છે.
2024ની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ શરદ પવાર શું નિર્ણય લેશે તે અંગે અનિશ્ર્ચિતતા છે. કેટલાક માને છે કે શરદ પવાર અને અજિત પવાર એક સાથે આવી શકે છે, જ્યારે કેટલાક માને છે કે સુપ્રિયા સુળે અને શરદ પવાર સિવાય અન્ય નેતાઓ અજિત પવારના જૂથમાં જોડાઈ શકે છે. જો પવારની પાર્ટીમાં ફરીથી કોઈ મુશ્કેલી ઉભી થાય છે, તો તેની સીધી અસર ઠાકરે જૂથ પર પણ પડશે. બીજી બાજુ, વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી અંગે કોંગ્રેસે ઘણો વિલંબ કર્યો હતો અને ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી ઘડીએ 30થી વધુ બેઠકો માટે નામની જાહેરાત બાકી હતી. તેથી, ઠાકરે જૂથ સંયુક્ત રીતે ચૂંટણી લડવાને બદલે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા તરફ વલણ ધરાવે છે.
Also read: ઠાકરેનું અપમાન કરનારાઓના હાથમાં રિમોટ: મોદીની ઉદ્ધવ ઠાકરે પર ટીકા
ઠાકરે જૂથના પદાધિકારીઓનું કહેવું છે કે હિન્દુત્વના મુદ્દાથી અલગ થવાને કારણે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો. તેથી, પાર્ટીએ હવે હિન્દુત્વના મુદ્દા પર ફરીથી ભાર મૂકવાની તૈયારી શરૂ કરી દીધી છે. શિવસેના શરૂઆતથી જ મરાઠી લોકો અને હિન્દુત્વના મુદ્દા પર રાજકારણ કરી રહી છે. જોકે, એમવીએમાં રહીને હિન્દુત્વના મુદ્દા પર સ્પષ્ટ વલણ અપનાવવું પાર્ટી માટે થોડું મુશ્કેલ બની રહ્યું હતું.
તાજેતરમાં, ઠાકરેના નજીકના વિધાનસભ્ય મિલિંદ નાર્વેકરે બાબરી મુદ્દા પર એક પોસ્ટ શેર કરી હતી. કોંગ્રેસના લઘુમતી સમુદાયે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. બે દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રાજકારણમાં ક્યારે કંઈ થશે તેની કોઈ આગાહી કરી શકતું નથી. તેથી, એ સમજી શકાય છે કે ઠાકરે જૂથ આ બધી પૃષ્ઠભૂમિમાં પોતાના દમ પર લડશે.
1995થી મુંબઈ મહાનગરપાલિકા પર શિવસેનાનું શાસન છે. ગયા વખતે, ઠાકરેની પાર્ટીએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની 236 બેઠકોમાંથી 84 બેઠકો જીતી હતી. તેથી, આ વખતે પણ, તેઓ વધુ બેઠકો માટે ચૂંટણી લડીને કેવી રીતે જીતવું તેની વ્યૂહરચના ઘડી રહ્યા છે.