લાડકી બહેન યોજનામાંથી અપાત્ર લાભાર્થીઓ સ્વેચ્છાએ પાછા ખસે, નહીંતર દંડ કરવો જોઈએ: ભુજબળ
નાશિક: એનસીપીના નેતા છગન ભુજબળે સોમવારે એવી માગણી કરી હતી કે પાત્રતાના ધોરણોનું ઉલ્લંઘન કરીને લાડકી બહેન યોજનાનો લાભ મેળવનારી મહિલાઓએ સ્વેચ્છાએ તેમના નામ પાછા ખેંચી લેવા જોઈએ અને જો તેઓ ન ખેંચે તો સરકારે તેમને દંડ ફટકારવો જોઈએ.
મહારાષ્ટ્ર સરકારની લાડકી બહેન યોજના હેઠળ આર્થિક રીતે વંચિત વર્ગની લાયક મહિલાઓને માસિક 1,500 રૂપિયાની રોકડ સહાય મળે છે.
આ પણ વાંચો: ‘લાડકી બહિણ’ યોજના બંધ થવા અંગે ફડણવીસે કરી સ્પષ્ટતા, જાણો હકીકત?
‘મને લાગે છે કે જે મહિલાઓ યોજનાના નિયમોનું પાલન કરતી નથી અથવા પાત્રતા માપદંડોને પૂર્ણ કરતી નથી, તેમણે જાતે જ પોતાના નામ પાછા ખેંચી લેવા જોઈએ. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય, તો સરકારે તેમને દંડ ફટકારવો જોઈએ,’ એમ ભુજબળે નાસિક જિલ્લાના તેમના વિધાનસભા મતવિસ્તાર યેવલામાં પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે સરકારે અપાત્ર મહિલાઓને મહિનાઓથી મળેલી નાણાકીય સહાય પરત કરવા માટે ન કહેવું જોઈએ.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી દ્વારા તેમને રાજ્ય પ્રધાન મંડળમાં સામેલ ન કરવામાં આવતા ભુજબળ નારાજ છે.
આ પણ વાંચો: લાડકી બહેનના લાભાર્થીઓની ચકાસણી સાબિત કરે છે કે યોજના મતો માટે જ હતી: વડેટ્ટીવાર
મહારાષ્ટ્રમાં ‘લાડકી બહેન યોજના’ ના 2.43 કરોડથી વધુ લાભાર્થીઓ છે, જેના કારણે રાજ્યના ખજાના પર દર મહિને આશરે 3,700 કરોડ રૂપિયાનો બોજ પડે છે.