આવતીકાલે ગુજરાતીઓ ઝાપટશે ઊંધિયું: જાણો કેવી છે તૈયારી ને શું છે ભાવ
અમદાવાદઃ દરેક તહેવારો સાથે ખાસ ખાણીપીણી પણ જોડાયેલી છે. ખાસ કરીને જે તે સમયની ભૌગોલિક સ્થિતિ અને તે સમય આવતા ધાનધાન્યમાંથી બનતી વાનગીઓ ખાવાની એક પ્રથા છે. આ પ્રથામાં હવે ધંધો ભળી ગયો છે અને ઘરે બનાવવાને બદલે લોકો બહારથી તૈયાર લઈ લેવા તરફ વળ્યા છે. આવતીકાલે પણ મકરસંક્રાતીનો તહેવાર છે અને ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરતમાં અગાશી પર જઈ પતંગ ચગાવવાનો અને ઊંધિયું અને જલેબી ખાવાની પરંપરા છે. શિયાળામાં બધા શાકભાજી તાજા અને મબલખ મળતા હોવાથી ઉંધીયુ બનાવવાની પ્રથા છે, પણ આ વાનગી ગુજરાતી ખાણીપીણીની ઓળખ પણ બની ગઈ છે.
ઊંધિયું એ મસાલા અને મેથીથી રાંધવામાં આવતી મિક્સ શાકભાજીની ગુજરાતી વાનગી છે. આ નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે ઉલટું કારણ કે આ વાનગી ઓરિજનલી માટીના વાસણને ઉલટું કરીને બનાવામાં આવે છે.
દુકાનદારો કરી રહ્યા છે જોરદાર તૈયારી
આવતીકાલે જો તમે ગુજરાતના શહેરોમાં આવશો તો જોશો કે જાણીતી મીઠાઈ કે ફરસાણની દુકાનો બહાર લાંબી લાઈન લાગી હશે, તો વળી ખાસ માત્ર ઊંધિયું અને જલેબી વેચવા માટે ખાસ હાટડીઓ લાગેલી છે. હાલમાં અહીં ઊંધિયું, જલેબી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે લીલવાની કચોરી પણ લોકો ખાતા હોય છે. ઉપરાંત તલસાકડી, શિંગદાણાની ચિક્કી, મમરાના લાડુ સહિતની વિવિધ વસ્તુઓની પણ ઠેર ઠેર લાગીઓ મંડાઈ ગઈ છે.
આ પણ વાંચો…ગુજરાતમાં કેટલા ગ્રાહક સુરક્ષા મંડળ છે કાર્યરત? એક વર્ષમાં 6000 લોકોને આપ્યું માર્ગદર્શન…
કેટલો છે ભાવ અને કેટલું વેચાશે
ગુજરાતના મોટા ભાગના શહેરોમાં આમ તો શિયાળાની શરૂઆત થતાં જ ઊંધિયું મળી રહે છે, પરંતુ આવતીકાલે ભાવ પણ આસમાને હશે. સામાન્ય રીતે રૂ. 400થી 500 રૂપિયે કિલો મળતું ઊંધિયું આવતીકાલે રૂ. 800થી 1200 રૂપિયે કિલો મળશે અને તેમ છતાં લાંબી લાઈનો લાગશે. એક અંદાજ પ્રમાણે લગભગ દરેક દુકાનો 80થી 100 કિલો ઊંધિયું વેચશે અને ગુજરાતીઓ સાડાચારથી પાંચ લાખ કિલો ઊંધિયું ઝાપટી જશે.