આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમરેલી લેટર કાંડઃ નિર્લિપ્ત રાય કેસની કરશે તપાસ; સુરતમાં ધાનાણી, દુધાતની અટકાયત

સુરતઃ અમરેલી લેટર કાંડમાં (amreli letter kand)ની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. એસએમસીના નિર્લિપ્ત રાય કેસની તપાસ કરશે. નિર્લિપ્ત રાય અમરેલીના એસપી રહી ચૂક્યા છે. કોંગ્રેસ દ્વારા આજે સુરતમાં વિરોધ પ્રદર્શન અને ધરણાંની જાહેરાત કરવામાં આવી હતી. વરાછાના મિની બજારમાં માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી (paresh dhanani), પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણાં કરે તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી હતી. પોલીસે વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફૂલહાર કરીને ધરણાં કરવાના શરૂ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. વગર મંજૂરીએ ધરણાં કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 40થી 50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી પોલીસવાનમાં બેસાડ્યા હતા.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, અમરેલીમાં દીકરીને ભોગ બનવું પડ્યું છે, ત્યારે અમે તેના ન્યાય માટે લડત લડી રહ્યા છીએ. આઝાદી આંદોલનો થકી જ આવી છે, છતાં પણ પોલીસ આંદોલન કે વિરોધ પ્રદર્શન કરવા દેતી નથી. માનગઢ ચોક ખાતે અમે પરમિશન માંગી હતી, પરંતુ પોલીસે અમને પરમિશન આપી ન હતી. ખરેખર તો આ પ્રકારનાં ધરણાં અને આંદોલન માટે કોઈ પરમિશન લેવાની જોગવાઈ નથી. માનગઢ ચોક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. અમે શાંતિથી ધરણાં કરવા માંગતા હતા. માનગઢ ચોક સામાજિક અને રાજકીય આંદોલનોનું સાક્ષી રહ્યું છે, ત્યારે અમે દીકરીને ન્યાય અપાવવા માટે અહીં ધરણાં કરવા માટે આવી રહ્યા હતા. અમને ધરણાં કરવાની પરમિશન નહીં મળે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણાં શરૂ કરી દઈશું.

આ પણ વાંચો : અમરેલી લેટર કાંડઃ જિલ્લા પોલીસ વડાએ શું કરી મોટી કાર્યવાહી? જાણો વિગત…

આ પહેલા લેટર કાંડને લઈ જિલ્લા પોલીસ વડા (એસપી) સંજય ખરાત દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એસપી દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ એલસીબીમાં ફરજ બજાવતાં ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સુરતની 200 મહિલાઓએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી હતી. આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપોની તપાસ માટેની માગ કરી હતી. તેમજ પોલીસે દીકરીનું સરઘસ કેમ કાઢવા અને અડધી રાત્રે તેની ધરપકડ કેમ કરાય તેને લઈને ખુલાસો માગવામાં આવ્યો. તમામ 200 જેટલી મહિલાઓએ પત્રમાં લખેલી માગ પૂરી ન થાય તો સ્વાભિમાન મિશનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

શું છે મામલો

અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું હતું. તે પછી આ વિવાદ વકર્યો હતો. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવ્યા હતા અને ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button