અમદાવાદ

અમદાવાદની શાન સાબરમતી બની ગઈ છે મોતની નદીઃ વર્ષે આટલા મૃતદેહો મળે છે

અમદાવાદ: અમદાવાદીઓ અને અમદાવાદની મુલાકાત લેનારાઓ દરેકનું પ્રિય સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ છે. સાબરમતી નદી અમદાવાદની ઓળખ છે અને તેની સાથે ભવ્ય ઈતિહાસ જોડાયેલો છે, પરંતુ એક તો આ નદી પ્રદુષણને કારણે અસ્વચ્છ બની ગઈ છે અને બીજું આ સુંદર સ્થળ કમનસીબે આત્મહત્યા કરનારાઓ માટે પણ હૉટસ્પોટ બની ગયું છે. આ સ્થળ આમ તો હરવાફરવા અને તાણમુક્ત થવા માટે છે, પરંતુ કમનસીબે લોકો જીવનનો અંત આણવા અહીં આવી એક છલાંગ લગાવી દે છે.

એક અહેવાલના આંકડાઓ અનુસાર 2018 થી 2024 સુધીમાં સાબરમતી નદી(sabarmati river) માંથી 950 થી વધુમૃતદેહો મળી આવ્યા હતા. 2024 માં, 158 મૃતદેહો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, મૃતકોમાં 138 પુરૂષો, 19 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. જે પરથી રીતે કહી શકાય કે સાબરમતીમાંથી દર બીજા દિવસે એક લાશ મળી આવે છે. આમાંથી મોટાભાગના કેસો શંકાસ્પદ આત્મહત્યાના છે, તો કેટલાક કેસો અકસ્માતોના હોઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આત્મહત્યા અટકાવવા માટે પુલ પર ઊંચી જાળીદાર રેલિંગ લગાવી હોવા છતાં, મોટાભાગના લોકોએ રિવરફ્રન્ટ વૉકવે પરથી કૂદકો માર્યો હતો તેવું પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જણાવ્યું હતું.

નિષ્ણાતો કહે છે કે આત્મહત્યાના કેસોનું મુખ્ય કારણ સામાજીક દબાણ, શહેરી જીવનનો તણાવ, સારવાર ન કરાયેલ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આર્થિક મુશ્કેલીઓ હોય છે. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES)દ્વારા તૈનાત સુરક્ષાકર્મીના જણાવ્યા અનુસાર મોટાભાગના લોકો રિવરફ્રન્ટના બ્યુટીફિકેશનના ભાગરૂપે બનાવવામાં આવેલા વોકવે પરથી કૂદીને મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે અમારી પાસે ભાગ્યે જ એક કે બે કેસ નોંધાયા છે જેમાં લોકોએ પુલ પરથી કૂદકો માર્યો હોય, મંગેલાએ જણાવ્યું હતું કે ગરમીના સમયમાં આત્મહત્યાના અહેવાલો ખાસ કરીને વધુ હતા. તેમના જણાવ્યા અનુસાર માર્ચ અને જૂન વચ્ચે વધારે ઘટના ઘટે છે.

સાબરમતી રિવરફ્રન્ટ (પશ્ચિમ)ના પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં 126 જેટલા આત્મહત્યા અથવા આકસ્મિક મૃત્યુ નોંધાયા હતા. પોલીસનું માનીએ તો આત્મહત્યા પાછળના મુખ્ય કારણો નિષ્ફળ પ્રેમ અને નાણાકીય કટોકટી છે. તેમણે કહ્યું કે દેવું અને લોન લેનારાઓમાંથી ઘણા લોકો કટોકટીનો સામનો કરી શકતા નથી. પટેલે જણાવ્યું હતું કે ડિપ્રેશન અથવા સ્ટ્રેસ એ કારણો પૈકી એક છે ત્યારે આ મુદ્દાના મૂળમાં નાણાકીય કટોકટી કે બેરોજગારી હોય છે. મૃતકોમાં મળી આવેલા બાળકોમાં તમામ નવજાત છે એટલે કે તેમના માતા કે પિતાએ પહેલા તેમને ફેંકી પોતે પણ ઝંપલાવ્યું હોય તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચો…Tourism: ધોરડોમાં નીચે સફેદ રણ અને ઉપર રંગ-બે-રંગી આકાશઃ આજથી પતંગોત્સવની શરૂઆત

વિશેષ નોંધઃ આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હો તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો.
સંપર્ક કરો: આ માટે ગુજરાત સરકારનો હેલ્પલાઈન નંબર 104 છે. અથવા તો તમે આઈકૉલ પર 9152987821 પર કૉલ કરી મદદ મેળવી શકો છો. વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button