મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા ટ્રેડીંગ દિવસે, ઉતરાયણના એક દિવસ પહેલા ભારતીય શેરબજારે ફરી રોકાણકારોને નિરાશ (Indian Stock Market Crash) કર્યા છે, આજે ફરી બજાર ઘટાડા સાથે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્ષ સેન્સેક્સ 843.67 પોઈન્ટ ઘટીને 76535.24 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)નો ઇન્ડેક્સ NIFTY 258.8 પોઈન્ટ ઘટીને 23,172.70 પોઈન્ટ પર ટ્રેડ થયો હતો.
માર્કેટ કેપ ધોવાયું:
શેરબજારમાં મોટા ગાબડાને કારણે માર્કેટ કેપમાં ભારે ઘટાડો થયો છે અને રોકાણકારોના 4.53 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 225.14 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
આ શેર ઘટ્યા:
SENSEXમાં લિસ્ટેડ 30 કંપનીઓમાંથી એશિયન પેઇન્ટ્સ, ઝોમેટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, HDFC બેંક, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક અને ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ઘટાડા જોવા મળ્યો. ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં ઉછાળો નોંધાયો.
રૂપિયો પણ ગગડ્યો:
શરૂઆતના કારોબારમાં,ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે વધુ નબળો પડ્યો. રૂપિયો 23 પૈસા ઘટીને 86.27 ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો છે.
આ કારણે બજારમાં નરમાશ:
સોમવારે નબળા વૈશ્વિક વલણો અને વિદેશી મૂડીના નબળા ફ્લોને કારણે સેન્સેક્સ અને નિફ્ટી શરૂઆતના કારોબારમાં ઘટ્યા હતા. શેરબજારના ડેટા અનુસાર, શુક્રવારે ફોરેન ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ (FII)માં વેચાવલી રહી હતી અને તેમણે 2,254.68 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
આ પણ વાંચો…Quality Work મુદ્દે હવે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આપ્યું નિવેદન કે…
અન્ય દેશના બજારોના હાલ:
એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાના કોસ્પી, હોંગકોંગના હેંગ સેંગ અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે યુએસ બજારો પણ નકારાત્મક વલણ સાથે બંધ થયા હતાં. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.62 ટકા વધીને 81.05 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે.