ભુજઃ Gujarat Tourismને વૈશ્વિક ખ્યાતિ અપાવવા માટે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા અલગ અલગ ઉત્સવો અને અવસરો ઊભા કર્યા હતા, તેમાના બે સૌથી વધારે લોકપ્રિય એવા કચ્છનો રણોત્સવ અને હાલમાં ચાલી રહેલો પતંગોત્સવ છે. ઉતરાણ સમયે ગુજરાતમાં પતંગો ચગે છે તે તહેવારની પરંપરાને જ પર્યટકોને આકર્ષવાનું સાધન બનાવી પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે પતંગોત્સવનું ઉદ્ઘાટન થયું છે ત્યારે આજથી કચ્છના ધોરડોમાં પણ પતંગોત્સવ શરૂ થયો છે. ધોરડોમાં સરસ મજાનું વાતાવરણ ઊભું થયું છે જેમાં નીચે સફેદ રણ અને ઉપર પતંગોના રંગોથી આકાશ રંગાયેલું છે.
જિલ્લા સમાહર્તા અમિત અરોરા સહિતના અધિકારીઓએ દેશ-વિદેશથી અહીં પધારેલા પતંગબાજોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર આપ્યો હતો.
યુનેસ્કોએ જાહેર કરેલા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ ધોરડો ખાતેના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન બેલારૂસ, ભૂતાન, કોલમ્બિયા, ડૅનમાર્ક, હંગ્રી, ઈન્ડોનેશિયા, માલ્ટા, સ્લોવેનિયા, ટ્યુનિશિયા, તૂર્કી સહિતના દેશના પતંગબાજો સહભાગી થશે. આ ઉપરાંત ભારતના મહારાષ્ટ્ર, ઓડિશા, વેસ્ટ બેંગાલ, સિક્કિમમાંથી પધારેલા કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની રંગબેરંગી પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છના વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ પતંગોત્સવમાં ધોરડો સરપંચ મિયા હુસેન, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, માર્ગ અને મકાન રાજ્ય અધિક્ષક ઇજનેર વી. એન. વાઘેલા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર. ફૂલમાલી, ભુજ ગ્રામ્ય મામલતદાર બી.એન.શાહ, સીમા સુરક્ષા દળના ડેપ્યુટી કમાન્ડન્ટ, પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…Mahakumbh 2025: ગુજરાતમાંથી ત્રણ લાખ લોકો પહોંચશે, 20 વિશેષ ટ્રેન છતાં વેઈટિંગ…