નાશિકમાં ટેમ્પો અને ટ્રક વચ્ચે અથડામણમાં છ લોકોના મોત…
નાશિકઃ મહારાષ્ટ્રના નાશિકમાં ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા એક દુ:ખદ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા 16 લોકો ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન ટેમ્પો ચાલક વાહન પર કાબૂ ન રાખી શક્યો અને તે આગળ જઇ રહેલી લોખંડના સળિયાથી ભરેલી ટ્રક સાથે અથડાઇ ગયો હતો. આ અકસ્માતમાં કેટલાક લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
મળતી માહિતી અનુસાર નાશિકના દ્વારકા બ્રિજ પર રવિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. લોખંડની સળિયાઓ ભરેલી ટ્રક ધુલેથી મુંબઈ તરફ જઈ રહી હતી. દ્વારકા ફ્લાયઓવર પર પાછળથી એક ટેમ્પોએ ટ્રકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે લોખંડની ટ્રકના સળિયા ટેમ્પોમાં સફર કરી રહેલા કેટલાક છોકરાઓના શરીરમાં ઘૂસી ગયા હતા અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : IIT બોમ્બેના કેમ્પસમાં ફરતો જોવા મળ્યો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
કેટલાક ઘાયલ છોકરાઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માતમાં અન્ય છ છોકરાઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની નજીકની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ અને આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. અકસ્માત બાદ ફ્લાયઓવર પર વાહનોની લાંબી કતારો લાગી જતાં હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
અકસ્માતમાં બંને વાહનોને પણ ભારે નુકસાન થયું હતું. પોલીસ, ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક લોકોએ મળીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. દુર્ઘટના સ્થળ ભીડભાડ ધરાવતો વિસ્તાર હતો, જેના કારણે રાહત કાર્યમાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ટેમ્પો ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને ટ્રક ચાલકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સિડકોના સહ્યાદ્રિનગર વિસ્તારના રહેવાસી છે. તેઓ દર્શન માટે ટેમ્પોમાં નિફાડ તાલુકાના ધરણગાંવ ગયા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ મહિલાઓનો અને પુરૂષોનો ટેમ્પો નાશિક પરત ફરી રહ્યોહતો. મહિલાઓનો ટેમ્પો સહ્યાદ્રિનગર સલામત રીતે પહોંચી ગયો હતો, પણ છોકરાઓના ટેમ્પોને દ્વારકા બ્રિજ પર અકસ્માત નડ્યો હતો.
અકસ્માતના થોડા સમય પહેલા છોકરાઓ એકદમ ખુશખુશાલ હતા અને મજાકમસ્તી કરી રહ્યા હતા. તેઓ ગીતો પણ ગાઇ રહ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર સ્ટેટસ પણ શેર કર્યું હતું. અને પળવારમાં જ તેમની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ હતી. અચાનક જ અકસ્માતમાં છ છોકરાઓ કાળનો કોળિયો બની જતા સહ્યાદ્રિનગર વિસ્તારના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.