ઉત્સવ

મહારાષ્ટ્ર આજે પણ બાપુરાવ પઠ્ઠેને લાવણી સમ્રાટ તરીકે ઓળખે છે

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

(ગતાંકથી ચાલુ)
મહાનગર મુંબઇએ દેશને વડા પ્રધાનથી માંડી તે લાવણી રચનારા શાહિર સુધ્ધાં આપ્યાં છે. મુંબઇએ દેશને એક નહી; બે વડા પ્રધાન આપ્યાં છે. એક છે જનતા રાજના વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઇ અને બીજા છે શ્રી રાજીવ ગાંધી. શ્રી રાજીવ ગાંધીનો જન્મ મુંબઇમાં થયો હતો. શ્રીમતી ઇંદિરા ફિરોઝ ગાંધી પ્રથમ સુવાવડ માટે ફોઇ બા શ્રીમતી કૃષ્ણ હઠીસિંઘને ત્યાં ખાસ મુંબઇ આવીને રહ્યાં હતાં. બોમ્બે સેન્ટ્રલના ભરચક લત્તામાં તાડદેવ પુલ પૂરો થાય છે ત્યાં નીચેથી એક માર્ગ શરૂ થાય છે. એ માર્ગનું નામ છે બાપુરાવ પઠ્ઠે માર્ગ. આ માર્ગનું જૂનું નામ મુંબઇના અંગ્રેજ ગવર્નરના નામ ઉપરથી ફોકલેન્ડ રોડ હતું. આ પરિસરની એક ચાલી (ચાલ)માં બાપુરાવ પઠ્ઠે રહેતા હતા. અને દિવસે એમની ઓરડી ડફ, તૂનતૂની અને ઝાંઝરના તાલ-ઝણકારથી ગાજતી રહેતી હતી. આ શાહીર કળા અને પ્યાર ખાતર શહીદ થયા હતા. કોઇએ નહીં; અને મુંબઇએ એ શાહીર શહીદની કદર કરી ફોકલેન્ડ રોડને એમનું નામ આપ્યું.

બાપુરાવ પઠ્ઠે મુંબઇમાં જન્મ્યા નહોતા, પોતાની કળાનું ઝવેરાત દેખાડવા મુંબઇ આવ્યા હતા. મહારાષ્ટ્ર આજે એમને લાવણી સમ્રાટ તરીકે ઓળખાવે છે. એમણે લગભગ સવાલાખ લાવણીઓ લખી હતી. બાપુરાવ પઠ્ઠેનું મૂળ નામ છે શ્રીધર કુષ્ણાજી કુલકર્ણી.

બાપુરાવનો જન્મ ૧૮૬૬ના નવેમ્બરની ૧૧મી તારીખે સાતારા જિલ્લાના એક નાનકડા રેઠરે નામના ગામમાં થયો હતો. પિતા યજમાનગીરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. ગામઠી શાળામાં જ આ કલંદરે શીઘ્ર કવિ તરીકે નામ જમાવ્યું. ઔંધના રાજાએ આથી ઉચ્ચ શિક્ષણ માટે એમને ઔંધ તેડાવ્યા. અહીં મરાઠી સાત અને અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને સોળ વર્ષની વયે ઔંધના રાણી સાહેબના અંગત કારકૂન તરીકે એમની નિમણૂક કરવામાં આવી. બાપુરાવ જો અહીં સમજદારીથી રહ્યા હોત તો ઔંધ રાજ્યના દીવાન પણ બન્યા હોત.

વડોદરાના ગાયકવાડી રાજમાં મરાઠી તહેવારો ભારે ધામધૂમથી ઊજવવામાં આવતા અને મરાઠી રાજા-રાણીને વિશેષ આમંત્રણ મોકલવામાં આવતાં હતાં. શિમગાના તહેવાર પ્રસંગે ઔંધને આમંત્રણ મળ્યું અને ઔંધના રાણીસાહેબ સાથે બાપુરાવ પઠ્ઠે પણ વડોદરા ગયા. વડોદરાના દરબારમાં કલાવતોનો મેળો યોજાતો હતો. અહીં બાપુસાહેબ લાવણી તમાશાના કલાકારોના સંપર્કમાં આવ્યા અને એમને લાવણી તમાશાની મોહિની લાગી.ઔંધનાં રાણી બાપુરાવને વડોદરાના ‘કલાભવન’માં યાંત્રિક અભ્યાસ માટે લાવ્યા હતા તો બાપુરાવ લાવણીની લગની લગાડી બેઠા. રાણીસાહેબના કાને આ વાત જતાં બાપુરાવને બોલાવીને જણાવ્યું કે એક બ્રાહ્મણને આ તમાશગીરનું કામ શોભે નહીં. તે જમાનામાં તમાશાને કળા તરીકે સ્થાન પ્રાપ્ત થયું નહોતું. તમાશાને રામ-જણીના મનોરંજનની કક્ષામાં સ્થાન હતું. બાપુરાવ સ્વતંત્ર સ્વભાવના; એટલે ઔંધ રાજયની કારકૂની છોડીને પોતાના ગામડે રેઠરે આવી ગયા. પિતાની યજમાનગીરી એમની ફાવી નહીં.

બુદ્ધિશાળી તરીકે નામના હતી. સાત મરાઠી અને ચાર અંગ્રેજી ચોપડી ભણેલા હતા એટલે તલાટીની નોકરી મળી ગઇ. બાપુરાવ રાતે એક પણ તમાશામાં હાજર રહેવાનું ચૂકતા નહીં. એક દિવસ એવું બન્યુ કે તમાશાની એક લાવણી ગાનારી એમના મનમાં વસી ગઇ. બીજે દિવસે સવારે તલાટી તરીકે દસ્તાવેજો તૈયાર કરતા હતા ત્યાં એક યુવાન અને રૂપાળી મહિલા કશાક દસ્તાવેજ માટે આવી. તમાશાની રૂપસુંદરીના લાવણ્યનો નશો હજી ઊતર્યો નહોતો. એટલે રૂપસુંદરીને નિહાળીને દસ્તાવેજમાં ‘ખાનાપુરી’ કરવાને બદલે લાવણીની પંક્તિઓ રચીને લખી:
‘તાળ શોભે ગોરે ગાલ,
તુઝી નથની ઝુપકેદાર’
મામલતદારને બાપુરાવ તલાટી ઉપર પૂરો વિશ્ર્વાસ એટલે એ દસ્તાવેજ ઉપર સહી કરીને કલેકટર સાહેબને મોકલાવ્યો. તે વખતે મુખ્યત્વે કલેકટર પદ ઉપર અંગ્રેજ સાહેબ રહેતા હતા અને એ આઇ.સી.એસ. અધિકારીને પોતાના જિલ્લાની સ્થાનિક ભાષાનું જ્ઞાન ફરજિયાત મેળવવાનું રહેતું હતું. અંગ્રેજ અધિકારીએ આ લાવણી વાંચી અને મામલતદારને ઠપકો આપવા ઉપરાંત મરાઠી ભાષાની નોંધમાં ઠપકો આપતાં જણાવ્યું : ‘મિસ્ટર કુલકર્ણી, આ સરકારી કામકાજ છે, તમાશા નથી; એટલે કાળજીપૂર્વક કામ કરો.’

બસ; બાપુરાવને હૈયે લાગી આવ્યું અને તલાટીની સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું. હવે દિવસ રાત તમાશા-લાવણી લખવામાં વ્યસ્ત રહેવા લાગ્યા. તમાશાના કારણે કોઇ લગ્ન માટે છોકરી આપતું નહીં; પણ પિતરાઇ ભાઇએ શિંગણાપુરની છોકરી સાથે લગ્ન કરાવી આપ્યા. લગ્ન એટલે ઘર ચલાવવાની જવાબદારી. તમાશામાં કામ કરે તો એ પત્નીને ગમતું નહોતુ.

બાપુરાવ મુંબઇ ચાલી આવ્યા. અહીં આવીને હસનશેઠ બાંગડીવાલે, હિરાબાઇ પરદેશી, કિશન ગવલી, આશન્ના કામાઠી વગેરેની તમાશા મંડળીમાં કામ કરવા માંડયું. તમાશા મંડળીને મરાઠીમાં ‘ફડ’ કહેવામાં આવે છે. લાવણી-તમાશામાં બાપુરાવને એક નંબરના કલંદર માનવામાં આવતા હતા. લોકો એમની લાવણીને દાદ આપતી વખતે ‘વાહ રે પઠ્ઠે’ કહીને દાદ આપતા હતા આથી બાપુરાવે પોતાના સ્વતંત્ર ફડની સ્થાપના વખતે બાપુરાવ પઠ્ઠે નામ ધારણ કર્યું.

એમનો ફડ ચાલી નીકળ્યો અને પીલા હાઉસ પરિસરમાં એમના ફડની હરીફાઇ કરતાં અન્ય ફડ અચકાતાં હતાં. એક વાર નાવા ધુલવડકરના ફડે પડકાર ફેંકયો. એ ફડમાં મહાર જાતિની ‘પવળા’ નામની એક રૂપવંતી યૌવના હતી. લોકો એના કંઠ અને નૃત્ય ઉપર વારી જતા હતા. બાપુરાવ પઠ્ઠે પણ ‘પવળા’ના ફડમાં તમાશા-લાવણી નિહાળવા ગયા અને પવળાબાઇ પર વારી ગયા. પવળાબાઇને એક લાવણી લખીને મોકલી અને લાવણીની મોહિનીમાં પવળાબાઇ બાપુરાવના ફડમાં આવી ગઇ.

સામેના ફડવાળાએ બાપુરાવ પર હુમલા કર્યા, પવળાબાઇને ઊંચકી જવાના પ્રયાસો કર્યાં અને છેલ્લે અદાલતમાં ખટલો માંડવામા આવ્યો કે આ બ્રાહ્મણ મહારબાઇ પવળાને લલચાવીને ઉપાડી ગયો છે. ૧૯૫૦ની સાલમાં મેજિસ્ટ્રેટની અદાલતમાં જે દિવસે સુનાવણી થવાની હતી તે દિવસે અદાલતના પ્રાંગણમાં લોકોની એટલી મોટી ભીડ એકઠી થઇ કે મેજિસ્ટ્રેટ સાહેબને રસ્તા પર જ કાર છોડીને પગે ચાલીને અદાલતમાં જવું પડ્યું.

સુનાવણી વખતે મેજિસ્ટ્રેટ અને જયુરીને તમાશામાં આવવા આમંત્રણ આપ્યું અને આશ્ર્ચર્યની વાત કે એ સહુ તૈયાર થઇ ગયા. તમાશાના મંચ પર બાપુરાવે મહાર જાતિની પવળાબાઇના હાથે કોળિયો ખાધો લાવણી કહી:
મહારણી સાઠી મહાર ઝાલા
પુન્હા જાતિ મિળેલ કા હો હમાલા
બ્રાહ્મણલા હો જી જી
મેજિસ્ટ્રેટ તે બન્નેને નિર્દોષ છોડી મૂકયાં.

બાપુરાવ પઠ્ઠેના ફડની બોલબાલા મુંબઇમાં થઇ ગઇ. બાપુરાવ સ્વપ્નની નગરીમાં મ્હાલવા લાગ્યા. ત્યાં પવળાબાઇ બાપુરાવને છોડીને ચાલી ગઇ. બાપુરાવ શાહીરદિલના માણસ હતા. હૈયાથી ભાંગી પડયાં. તે ફરીથી ઊભા થઇ શક્યા નહીં. એમનો ફડ પણ ભાંગી ગયો. બાપુરાવ મુંબઇ છોડીને પૂના ચાલી ગયા અને ૧૯૪૫ના ડિસેમ્બરની ૨૨મી તારીખે એમનું અવસાન થયું. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…