આજે પોષી પૂનમ: જગતજનની માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ…
અંબાજી: હિંદુ ધર્મમાં પૂર્ણિમાનું ખૂબ જ મહત્વનું રહેલું છે. પરંતુ પોષ મહિનાની પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ રહેલું છે. કારણ કે પોષી પૂનમ એ જગતજનની મા અંબાનો પ્રાગટયદિવસ માનવામાં આવે છે. પોષી પૂનમનું ગુજરાતમાં ખાસ મહત્વ રહેલું છે. આજે બનાસકાંઠામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
પોષી પૂનમ માં અંબાનો પ્રાગટ્ય દિવસ
હિંદુ પરંપરામાં પ્રત્યેક માસમાં આવતી પૂનમનું ખાસ માહાત્મ્ય છે. ગુજરાતમાં પણ ભાદરવી પૂનમ અને પોષી પૂનમનું વિશેષ મહત્વ છે. પોષી પૂનમ માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે. આ પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આજના એટલે કે પોષી પૂનમના દિવસે દેવી સતીના હ્રદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેને માં જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે.
ક્યારે છે પૂનમની તિથી?
પોષ મહિનામાં આવતી શુક્લ પક્ષની પૂનમની તિથિ 13 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 5:03 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 14 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 3:56 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિના આધારે આ વખતે 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે.
ગિરનાર પર છે અંબાજીના બેસણા
ગિરનાર પર પણ મા અંબાજીનું મંદિર આવેલું છે. ગિરનાર પર આવેલું માં અંબાનું મંદિર પશ્ચિમાભિમુખ છે. ભીમકુંડથી અંબાજી મંદિરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મૂળ રસ્તે આવીને અંબાજી મંદિરે પહોંચે છે. અંબાજીનું મંદિર ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે.