બીસીસીઆઇમાં જય શાહના અનુગામી બની ગયા આસામના સૈકિયા…
મુંબઈઃ આસામના દેવાજિત સૈકિયા અને છત્તીસગઢના પ્રભતેજ સિંહ ભાટિયા આજે અહીં બીસીસીઆઇની વિશેષ સામાન્ય સભામાં ભારતીય ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થા તેમ જ ક્રિકેટ જગતના સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડના અનુક્રમે સેક્રેટરી અને ખજાનચી તરીકે બિનહરીફ ચૂંટાયા હતા, કારણકે તેમના ઉપરાંત બીજા કોઈએ પણ સંબંધિત હોદ્દા માટે ઉમેદવારી નહોતી નોંધાવી.
જય શાહ આઇસીસીના ચૅરમૅન બન્યા એટલે તેમનો બીસીસીઆઇના સેક્રેટરીનો હોદ્દો ખાલી પડ્યો હતો, જ્યારે આશિષ શેલારે મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં કૅબિનેટ સ્તરના પ્રધાન તરીકેના શપથ લીધા એ સાથે બીસીસીઆઇમાં તેમનો પણ હોદ્દો ખાલી પડ્યો હતો.
આ પણ વાંચો : ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગાવસકરના સન્માન સાથે વાનખેડેની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનો આરંભ
ગયા મહિને જય શાહે આઇસીસીમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી ત્યારથી બીસીસીઆઇમાં કાર્યવાહક સચિવ તરીકેની જવાબદારી સૈકિયાએ સંભાળી જ હતી અને હવે તેઓ વિધિવત આ હોદ્દા પર આવ્યા છે. હવે તેમનો સંયુક્ત સચિવનો હોદ્દો ખાલી પડ્યો છે.
શનિવારે રાત્રે જય શાહનું બીસીસીઆઇ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત, વિશેષ સામાન્ય સભામાં પણ તેમનું બહુમાન કરાયું હતું.