દિવ્યાંગ ક્રિકેટરોની ભારતીય ટીમે પાકિસ્તાનને 51 રનમાં આઉટ કરીને મેળવ્યો વિજય
કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ રમતની કોઈ પણ સ્તરની મૅચ હોય; એમાં જોરદાર રસાકસી તો થતી જ હોય છે એ મૅચમાં રમતપ્રેમીઓનો રસ અનેકગણો વધી જાય છે અને એટલે જ આજે શ્રીલંકામાં દિવ્યાંગ ક્રિકેટરો માટેની ભારત-પાકિસ્તાન મૅચ રોમાંચક બની હતી જેમાં ભારતે 109 રનના તોતિંગ તફાવતથી વિજય મેળવ્યો હતો.
ભારતે બૅટિંગ પસંદ કરીને નિર્ધારિત 19 ઓવરમાં ચાર વિકેટે 160 રન બનાવ્યા હતા. એમાં નિખીલ મન્હાસના 59 રન હતા જે તેણે 47 બૉલમાં ત્રણ સિક્સર અને છ ફોરની મદદથી બનાવ્યા હતા. કૅપ્ટન વિક્રાંત કેની (23 બૉલમાં 37 રન)નો પણ તેને સારો સાથ મળ્યો હતો.
પાકિસ્તાની બોલર્સે ભારતીય બૅટર્સનો સામનો કરવામાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમનામાં સૌથી સારો ઇકોનોમી રેટ વાકિફ શાહનો હતો જેની બોલિંગમાં ઓવર દીઠ 5.50 રન બન્યા હતા.
પાકિસ્તાની ટીમનો 12.2 ઓવરમાં ફક્ત 51 રનમાં વીંટો વળી ગયો હતો. ભારતીય બોલર્સમાંથી જિતેન્દ્ર વી. એન. તેમ જ માજિદે બે-બે વિકેટ લીધી હતી.
ભારતની હવે પછીની મૅચ સોમવારે ઇંગ્લૅન્ડ સામે રમાશે. ત્યાર બાદ બુધવારે યજમાન શ્રીલંકા સામે ભારતનો મુકાબલો થશે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક મુકાબલો 16મી જાન્યુઆરીએ થશે.