‘લાડકી બહિણ’ યોજના બંધ થવા અંગે ફડણવીસે કરી સ્પષ્ટતા, જાણો હકીકત?
ગેરકાયદે દસ્તાવેજો મેળવનાર બાંગ્લાદેશીઓ છે 'વોટ જેહાદ ભાગ ટૂ'
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગેમ ચેન્જર બનનારી લાડકી બહિણ યોજના બંધ થવા અંગે વિવિધ પ્રકારના તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે ત્યારે આ યોજના અંગે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી.
ફડણવીસે કહ્યું હતું કે લાડકી બહિણ યોજના સહિત અન્ય જરુરિયાતમંદ દરેક યોજના પહેલાના માફક ચાલુ રહેશે. એટલું જ નહીં, મહાયુતિની સરકારે જાહેર જનતાને કરેલા તમામ ચૂંટણીના વાયદાઓ પૂરા કરશે.
દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કહ્યું હતું કે મતદાનનો અધિકાર મેળવવા માટે રાજ્યમાં ગેરકાયદે રીતે જન્મનું પ્રમાણપત્ર માગતા બાંગ્લાદેશીઓ ‘વોટ જેહાદ ભાગ 2’ છે. ફડણવીસે નવેમ્બર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 2024ની શરૂઆતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ સામૂહિક મતદાન કરનારા સમુદાયના દાખલા ટાંકી એને ‘વોટ જેહાદ’ ગણાવ્યું હતું.
આપણ વાંચો: લાડકી બહિણ યોજનાનો ડિસેમ્બરનો હપ્તો ક્યારે મળશે, ફડણવીસે શું કહ્યું?
મહારાષ્ટ્રમાં એક પણ ઘૂસણખોરોને રહેવા દેવાશે નહીં
અહિલ્યાનગરના શિરડીમાં પ્રદેશ ભાજપના સંમેલનમાં બોલતા ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે ‘બાંગ્લાદેશી ઘૂસણખોરો વોટ જેહાદના ભાગ 2ના ભાગરૂપે મહારાષ્ટ્રમાં જન્મ પ્રમાણપત્ર માંગી રહ્યા છે.
નાશિકના અમરાવતી અને માલેગાંવ તાલુકામાં આવા લગભગ 100 કેસ નોંધાયા છે. લગભગ 50 વર્ષની વયની આસપાસના ઘણા લોકો ગેરકાયદે દસ્તાવેજો મેળવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક પણ ઘૂસણખોરને રહેવા દેવામાં આવશે નહીં.’
પીએમ મોદીનો મંત્ર ‘એક હૈં તો સલામત હૈ’ માર્ગદર્શન મળશે
આગામી કેટલાક મહિનાઓમાં રાજ્યભરમાં યોજાનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ તરફ ધ્યાન દોરતા તેમણે કહ્યું હતું કે ‘આપણે તૈયાર અને સંગઠિત રહેવું જોઈએ.
વડા પ્રધાનના ‘એક હૈં તો સલામત હૈં’ (એકતા સલામતી સુનિશ્ચિત કરે છે)નો મંત્ર આપણને માર્ગદર્શન આપશે. મુંબઈ, થાણે અને નાગપુર સહિત અનેક નાગરિક સંસ્થાઓની ચૂંટણી 2022ની શરૂઆતથી પેન્ડિંગ છે.
તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારે સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે અનેક યોજનાઓ તૈયાર કરી છે. 2030 સુધીમાં મહારાષ્ટ્રની 52 ટકા વીજળી નવીનીકરણ સ્રોતેમાંથી ઉત્પન્ન થાય એના પર જોર મુકવામાં આવશે..
(પીટીઆઈ)