મહારાષ્ટ્રમાં ભાજપના વિજયથી શરદ પવારની ‘વિશ્વાસઘાત’ની રાજનીતિનો આવ્યો અંત: અમિત શાહ
એકનાથ શિંદેની સેના 'અસલી' શિવસેના અને અજિત પવારની પાર્ટી જ 'અસલી' એનસીપી
શિરડી: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી હવે પાલિકાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ અંદર ખાને તૈયારીઓ શરુ કરી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શિરડીમાં જણાવ્યું હતું કે પીઢ રાજકારણી શરદ પવારે 1978થી મહારાષ્ટ્રમાં વિશ્વાસઘાત અને વિશ્વાસઘાતની રાજનીતિ રમી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના જ્વલંત વિજય સાથે એનો અંત આવ્યો હતો.
આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણીમાં થયેલા પરાજયમાંથી એમવીએ હજુ બહાર આવ્યું નથી: મહારાષ્ટ્ર એનસીપી વડા
ચૂંટણીમાં વંશવાદને મતદારોએ નકાર્યો
શિરડીમાં રાજ્ય ભાજપના સંમેલનને સંબોધતા શાહે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોએ એનસીપી (એસપી)ના અધ્યક્ષ પવાર અને શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેને ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં વંશવાદ અને વિશ્વાસઘાતની રાજનીતિને નકારીને પોતાનું સ્થાન દેખાડી દીધું હતું. 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, એનસીપી અને શિવસેનાના મહાયુતિ ગઠબંધને રાજ્યની 288માંથી 230 બેઠકો જીતી હતી. ભાજપ ૧૩૨ બેઠક સાથે આ આગળ હતો. વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ) 46 બેઠક પર સમેટાઈ ગઈ હતી, જેમાં એનસીપી (એસપી) અને સેના (યુબીટી)ને અનુક્રમે 10 અને 20 બેઠકો મળી હતી.
દગાબાજીની રાજનીતિને આપ્યો જાકારો
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે ‘શરદ પવારે 1978માં મહારાષ્ટ્રમાં ‘દગાબાજીની રાજનીતિ શરૂ કરી હતી. લોકોએ 2024માં એને જાકારો આપ્યો હતો. એ જ રીતે વંશવાદની રાજનીતિ અને ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસઘાતને પણ દરવાજો દેખાડી દેવામાં આવ્યો હતો. આ ચૂંટણી સાથે મહારાષ્ટ્રમાં અસ્થિરતાના રાજકારણનો પણ અંત લાવ્યો હતો જેની શરૂઆત 1978માં થઈ હતી. દરમિયાન તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાએ બતાવ્યું હતું કે એકનાથ શિંદેની શિવસેના બાળાસાહેબની શિવસેના છે અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અસલી એનસીપી છે. મહારાષ્ટ્રની જનતાએ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની વિશ્વાસઘાતની રાજનીતિને નકારી દીધી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની ખાલીખમ તિજોરી ભરવા દારૂ મોંઘો કરવાની તૈયારી!
ભાજપના કાર્યકર્તાઓ જીતના શિલ્પકાર
ભાજપના કાર્યકર્તાઓને રાજ્યમાં પાર્ટીની પ્રચંડ જીતના અસલી શિલ્પકાર ગણાવતા શાહે કહ્યું કે, “તમે પંચાયતથી લઈને સંસદ સુધી પાર્ટીની જીત માટે નિમિત્ત છો. તમારે ભાજપને અજેય બનાવવું પડશે, જેથી કોઈ ફરીથી તેની સાથે દગો કરવાની હિંમત ન કરે.”
શરદ પવાર પણ ખેડૂતોની આત્મહત્યા રોકી શક્યા નહીં
અમિત શાહે એમ પણ જણાવ્યું કે શરદ પવાર મુખ્ય પ્રધાન હતા, અનેક સહકારી સંસ્થાઓના વડા હતા અને કેન્દ્રીય કૃષિ પ્રધાન પણ હતા, પરંતુ તેઓ ખેડૂતોની આત્મહત્યાને રોકી શક્યા નહીં. ફક્ત ભાજપ જ તે કરી શકે છે (ખેડૂતોની આત્મહત્યાને અટકાવી શકે છે). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ ઘડી છે.
ઐતિહાસિક જીતથી વિરોધીઓનો આત્મવિશ્વાસ તૂટ્યો
મહારાષ્ટ્રમાં ભાજપની જીતને કારણે લાંબા ગાળાની અસરો પડશે તેનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું હતું કે આ ઐતિહાસિક જીતથી ‘I.N.D.I.’ ગઠબંધનનો આત્મવિશ્વાસ તૂટી ગયો છે.’ તેમણે વધુમાં કહ્યું કે આવતા મહિને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે.
(પીટીઆઈ)