બિહારમાં સહકારી બેન્કમાં છેતરપિંડી કેસમાં ઇડીની કાર્યવાહીઃ ચારની કરી ધરપકડ
પટણાઃ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ધારાસભ્ય દ્વારા પ્રમોટ કરાયેલ બિહારની એક સહકારી બેન્કમાં ભંડોળની કથિત ઉચાપત સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે એક ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) સહિત ચાર લોકોની ધરપકડ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ધારાસભ્ય સાથે જોડાયેલા લોકોને ઘરે દરોડા
કેન્દ્રિય એજન્સીએ વૈશાલી અર્બન વિકાસ (વીએસવી) સહકારી બેન્કમાં ભંડોળની કથિત હેરાફેરીની તપાસમાં 10 જાન્યુઆરીએ બિહારમાં ઉજિયારપુરથી આરજેડી ધારાસભ્ય આલોક કુમાર મહેતા (58) અને તેમની સાથે કથિત રીતે જોડાયેલા કેટલાક અન્ય વ્યક્તિઓના ઘર પર દરોડા પાડ્યા હતા.
આપણ વાંચો: અપ્રમાણસર સંપત્તિઃ MPમાં પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં ઇડીના દરોડા
આરોપીને ન્યાયિક કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા
ધરપકડ કરાયેલા લોકોમાં બેન્કના પૂર્વ સીઈઓ વિપિન તિવારી, તેમના સસરા રામ બાબુ શાંડિલ્ય, નીતિન મહેરા અને સંદીપ સિંહનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઓને અહીંની એક વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
આશરે 85 કરોડની કરવામાં આવી ઉચાપત
તેમણે કહ્યું કે રાજ્યના ભૂતપૂર્વ મહેસૂલ અને જમીન સુધારણા મંત્રી મહેતા બેન્કના પ્રમોટરોમાંના એક છે અને આ સિવાય કેટલીક અન્ય સંબંધિત સંસ્થાઓ પણ બેન્ક સાથે સંકળાયેલી છે. મની લોન્ડરિંગની તપાસ રાજ્ય પોલીસ દ્વારા બેન્ક અને તેના અધિકારીઓ સામે આશરે 85 કરોડ રૂપિયાની કથિત ઉચાપત માટે નોંધાયેલી કેટલીક એફઆઇઆરમાંથી શરૂ કરી હતી.
આપણ વાંચો: Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, એલજીએ ઇડીને આપી હવે આ કેસમાં કાર્યવાહીની મંજૂરી
આરબીઆઈએ બેંકની ચકાસણી કરતા ગેરરીતિ પકડાઈ
ઇડીના અધિકારીના જણાવ્યા અનુસાર, કથિત છેતરપિંડી લગભગ 400 લોન ખાતાઓ દ્વારા કરવામાં આવી હતી અને રૂપિયાની હેરાફેરી “નકલી” વેરહાઉસ રસીદોના આધારે કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડાની કાર્યવાહીમાં બેન્કના કર્મચારીઓ અને અન્ય ખાનગી વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે જેઓ ગુનાની આવકના કથિત લાભાર્થી છે અને મહેતા અને તેના સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ બેન્કની ચકાસણી કરી હતી અને ભંડોળની કથિત ગેરરીતિ શોધી કાઢી હતી.