પરવડી શકે તેવા ઘર ઉપલબ્ધ કરવાનો સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો એકનાથ શિંદેએ
થાણેઃ થાણે ખાતે એક કાર્યક્રમના ઉદ્ઘાટનમાં પહોંચેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉપસ્થિત લોકોને સરકારના વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સામે વક્તવ્ય આપતા તેમણે જણાવ્યું હતું કે, ‘મારી પાસે શહેરી વિકાસ અને હાઉસિંગ બંને ખાતા છે. તેથી, મારી પાસે સામાન્ય નાગરિકો, કામ કરતી મહિલાઓ, શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોને પરવડે તેવા આવાસ આપવા માટે કાયદો ઘડવા અને અમલમાં મૂકવાની જવાબદારી છે. ‘અમે થાણે, મુંબઈ, મુંબઈ મેટ્રોપોલીટન અને સમગ્ર રાજ્યમાં પોસાય તેવા મકાનો બાંધવા માગીએ છીએ. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમની સરકારનો એજન્ડા સસ્તા ભાડાના આવાસ બનાવવાનો છે, જેથી દરેક લોકોને તેમના સપનાનું ઘર મળી શકે.’
વિદેશી વાહનોનું ઉત્પાદન થાણેથી જ શરૂ કરવામાં આવશે અને તેનાથી નાગરિકોને નોકરી અને રોજગાર મળશે, એમ જણાવતા શિંદેએ કહ્યું હતું કે થાણે સાચા અર્થમાં બદલાઈ રહ્યું છે. મેટ્રો પ્રોજેક્ટ શહેરમાં ટ્રાફિકની ભીડ ઘટાડવામાં મદદ કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમની સરકારે વિકાસની દિશામાં કામ કર્યું છે અને વિકાસ હંમેશા તેમની સરકારનો એજન્ડા રહ્યો છે.
નોંધનીય છે કે વિન્ટેજ કાર અને વિન્ટેજ બાઇકના શોખીનો માટે થાણેમાં રેમન્ડ કંપની અને સુપર કલબ દ્વારા રવિવારે ‘ઑટોફેસ્ટ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે તેમણે સ્પોર્ટ્સ બાઇક અને રિક્ષા ચલાવવાનો આનંદ માણ્યો હતો અને જૂની યાદોને તાજી કરી હતી. (રાજકીય જીવનમાં આવતા પહેલા શિંદે એક સામાન્ય રિક્ષાચાલક હતા) આ સમયે તેમની સાથે રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇક અને ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા અને વિન્ટેજ કાર-બાઇકના શોખીનો પણ ઉપસ્થિત હતા.
આ પણ વાંચો : થાણેના ઉપવન તળાવ પાસે વિઠ્ઠલની પ્રતિમા સ્થાપિત કરાશે: સરનાઈક
ગૌતમ સિંઘાનિયાની ઉપસ્થિતિમાં તેમની કંપની રેમન્ડની પ્રશંસા કરતા નાયબ મુખ્ય પ્રધાન શિંદેએ જણાવ્યું હતું કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે, પરંતુ વિશ્વાસ અને પ્રામાણિકતા પૈસાથી ખરીદી શકાતી નથી, એ વાત રેમન્ડ ગ્રુપે સાબિત કરી બતાવી છે. કાપડના વ્યવસાયમાં આ સંગઠને સમગ્ર દેશને વિશ્વાસની દોરમાં બાંધી દીધો છે. આ જૂથ આજે દરેક ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. આ જૂથ શિક્ષણ ક્ષેત્રે પણ કાર્યરત છે અને પચાસ હજારથી વધુ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરી રહ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન શિંદેએ ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાને અપીલ કરી હતી કે તેમના જૂથે સરકારી શાળાઓને દત્તક લેવી જોઈએ અને ત્યાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.