ધનંજય મુંડેની મુશ્કેલીઓ વધીઃ સરપંચ હત્યા કેસ બાદ વધુ એક કેસમાં ફસાયા
મુંબઈઃ બીડના સરપંચ સંતોષ દેશમુખ હત્યા સંબંધિત ખંડણીના કેસમાં વાલ્મિક કરાડ હાલમાં સીઆઇડીની કસ્ટડીમાં છે. વાલ્મિક કરાડના નવા નવા કારનામા પ્રકાશમાં આવી રહ્યા છે. હવે વાલ્મિક કરાડ સાથે જોડાયેલો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે માત્ર વાલ્મિક કરાડ જ નહીં પરંતુ પ્રધાન ધનંજય મુંડે પણ મુશ્કેલીમાં આવી શકે છે. વાલ્મિક કરાડ અને ધનંજય મુંડેનો એક વીડિયો વાઈરલ થયો છે.
હકીકતમાં સોલાપુર સહિત રાજ્યના ૧૪૦ શેરડી કટિંગ મશીન માલિકો સાથે ૧૧ કરોડ ૨૦ લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો જાણવા મળ્યો છે. વાલ્મિક કરાડે ૧૪૦ ખેડૂતોને શેરડી કટીંગ મશીન પર ૩૬ લાખની સરકારી સબસીડી મળશે તેમ કહી છેતરપિંડી કરી છે. દરેક શેરડી કાપણી કરનાર માલિક પર ૮ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સોલાપુર, કોલાપુર, અહિલ્યા દેવી નગર, સાંગલીમાં શેરડી કાપવાના મશીનોના માલિકો સાથે છેતરપિંડી પ્રકાશમાં આવી છે.
શેરડી કટીંગ મશીનના માલિક દિલીપ નાગનેએ આરોપ લગાવ્યો છે કે તેમણે પ્રધાન ધનંજય મુંડે અને વાલ્મિક કરાડને મળ્યા બાદ પૈસા ચૂકવ્યા હતા. વાલ્મિક કરાડ અને તેના સહયોગીઓને ૮ લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું, કારણ કે ૧૪૦ ખેડૂત મશીન ધરાવનારાને ૩૬ લાખ રૂપિયાની સબસિડી મળે છે. તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તત્કાલીન કૃષિ પ્રધાન ધનંજય મુંડે તેમના ખાસ મિત્ર છે અને તેઓ તમને આ અનુદાન અપાવે છે.
આ પણ વાંચો : ધનંજય મુંડે મળ્યા છગન ભુજબળને
સોલાપુર જિલ્લાના ખેડૂતો સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મંત્રી ધનંજય મુંડે અને વાલ્મિક કરાડને મળ્યા હતા. આ બેઠકનો વીડિયો સામે આવ્યો છે. આ બેઠક બાદ કરાડના નજીકના સંબંધીઓને રોકડ રકમ આપવામાં આવી હતી. તેનો ફોટો પણ સામે આવ્યો છે.