કોનમેન સુકેશની દેશભક્તિ અચાનક જાગી! નાણા પ્રધાનને પત્ર લખી વિદેશી આવક જાહેર કરી
નવી દિલ્હી: કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવણી બદલ મહાઠગ સુકેશ ચંદ્રશેખરની 2015માં ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદથી તે જેલમાં છે. જેલમાંથી પત્રો લખીને સુકેશ મોટા ખુલાસા કરતો રહે છે, તાજેતરમાં તેણે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખી (Conman Sukesh Chandrashekar letter to Sitaraman) મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે જાહેર કર્યું કે વર્ષ 2024માં તેનો કંપનીઓને વિદેશમાં 7,640 કરોડ રૂપિયાની આવક કરી છે અને તેણે નાણાપ્રધાનને આ રકમ સરકારી કર યોજના હેઠળ સામેલ કરવા અપીલ કરી છે.
આ દેશમાં છે બીઝનેસ:
સુકેશે એક પત્રમાં નિર્મલા સીતારમણને જાણ કરી છે કે નેવાડા અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં રજીસ્ટરર્ડ એલએસ હોલ્ડિંગ્સ ઇન્ટરનેશનલ અને સ્પીડ ગેમિંગ કોર્પોરેશન ઓનલાઇન અને ઓફલાઇન ગેમિંગ અને સટ્ટાબાજીમાં સામેલ છે. તેણે એમ પણ જણાવ્યું કે તેના બીઝનેસ યુનાઇટેડ સ્ટેટ્સ, સ્પેન, યુકે, દુબઈ અને હોંગકોંગમાં પણ સક્રિય છે. તેણે કહ્યું છે કે તે ભારતમાં આવકવેરા વસૂલાતની કાર્યવાહી અને અપીલોનો નિકાલ કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: મહાઠગ સુકેશ ચંદ્રશેખરે કે.કવિતાને સંબોધી લખ્યો પત્ર, લખ્યું ‘તિહાડ ક્લબમાં તમારૂ સ્વાગત છે’
વડા પ્રધાનના વખાણ:
પત્રમાં સુકેશ ચંદ્રશેખરે વડા પ્રધાન મોદીની પણ પ્રસંશા કરી તેણે લખ્યું કે વડા પ્રધાનના નેતૃત્વમાં તે પોતાની વિદેશની આવક પર ટેક્સ ચૂકવીને અને તેનું દેશમાં રોકાણ કરીને ભારતના વિકાસમાં યોગદાન આપવા માંગે છે.
હું પ્રાઉડ ઇન્ડિયન છું:
સુકેશે પોતાના પત્રમાં લખ્યું, “આજથી, એક પ્રાઉડ ઇન્ડિયન તરીકે, આપણા વડા પ્રધાન મોદીજીના નેતૃત્વ હેઠળ, હું આ મહાન રાષ્ટ્રના વિશ્વ કક્ષાના વિકાસમાં મારો ફાળો આપવા માંગુ છું. હવેથી હું મારી વિદેશ આવક પર સ્વેચ્છાએ ભારતીય ટેક્સ ચૂકવીશ, અને મારી વિદેશની આવકનું ભારતમાં વધુ રોકાણ કરીશ. આથી શરૂઆતમાં હું મારી કાયદેસરની વિદેશ આવક જાહેર કરી રહ્યો છું. વિદેશમાં મેં વર્ષ 2024 દરમિયાન 7640 કરોડ રૂપિયાની કમાણી કરી અને ભારતીય કર કાયદા અનુસાર તાત્કાલિક ધોરણે યોગ્ય કર ચૂકવવા માંગુ છું.”
સુકેશ ચંદ્રશેખરે લખ્યું છે કે તે એક અંડરટ્રાયલ કેદી છે અને તેને દોષિત ઠેરવવામાં આવ્યો નથી, તેણે કહ્યું છે કે વિદેશમાં કમાણી સહિત તેની આવક કાયદેસર છે અને ટેક્સ વિભાગે તેની ભારતીય આવક પર કાર્યવાહી શરૂ કરી છે.