સોલાપુરમાં ફરી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, એક પ્રવાસી ઘવાયો
મુંબઇઃ વંદે ભારત ટ્રેન દેશમાં ઘણી જ લોકપ્રિય થઇ ગઇ છે. લોકો આ ટ્રેનમાં પ્રવાસ કરવાનું ઘણું જ પસંદ કરે છે. દેશની અને ખાસ કરીને રેલવેની પ્રગતિની કેટલાક લોકોને ઘણી ઇર્ષ્યા થાય છે અને તેઓ અવારનવાર વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારો કરીને તેને નિશાન બનાવતા હોય છે. તાજેતરમાં સોલાપુર ખાતે જ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ઘટના હજી તો લોકોના દિમાગમાં તાજી જ છે,ત્યાં તો ફરી એક વાર સોલાપુર ખાતે જ મુંબઈ-ચેન્નઈ એક્સપ્રેસ પર પથ્થરમારાનો બનાવ બન્યો છે. સદનસીબે આ પથ્થરમારામાં કોઇને ખાસ ઇજા થઇ નથી. એક દિવ્યાંગને થોડું વાગ્યું હતું, પણ તેને તુરંત પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
સોલાપુર નજીક પારેવાડી અને વાશિમ્બે પાસે મુંબઈ-ચેન્નઈ એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી હતી. જોકે, પથ્થરમારો કરનારા કોમ હતા તે હજી સુધી જાણી શકાયું નથી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પથ્થરમારાને કારણે બારીના કાચ તૂટેલા જોઇ શકાય છે. આ મામલે સોલાપુર પોલીસે ગુનો નોંધીને અજાણ્યા લોકો સામે તપાસ શરૂ કરી છે.
સોલાપુર ખાતે છેલ્લા દસ દિવસમાં ટ્રેન પર પથ્થરમારાની આ બીજી ઘટના બની છે, જેને કારણે મુસાફરોમાં ગભરાટનો માહોલ છે. લોકો મુસાફરી કરતા ડરી રહ્યા છે.
વંદે ભારત ટ્રેનો પર તો પથ્થરમારાના ઘણા બનાવો બનતા હોય છે. સોલાપુરમાં પણ દસેક દિવસ પહેલા વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એ સમયે ટ્રેનના સી-11 કોચને નિશાન બનાવવામાં આવ્યો હતો. વંદે ભારત ટ્રેન જેવી સ્ટેશન પાસે પહોંચી કે અજાણ્યા લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.