રાજકોટઃ અમરેલી લેટર કાંડ મુદ્દે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજકોટમાં પતંગોત્સવના ઉદ્ઘાટન બાદ તેમણે કહ્યું, પોલીસે સમગ્ર ઘટનામાં ઘણી ઉતાવળ કરી છે. એસપી દ્વારા કમિટી બનાવવામાં આવી છે, તે યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા છે. કૉંગ્રેસ આ સમગ્ર ઘટનાને અલગ જ દિશામાં લઈ જઈ રહી છે. હાલ નનામો લેટર વાઇરલ કરવાનો રોગ ફેલાયો છે.
આ ઉપરાંત રૂપાલાએ કહ્યું, જે થયું તે યોગ્ય નથી અને આવું ન થવું જોઈએ. પોલીસે ઉતાવળ કરી સરઘસ કાઢ્યું તે ન થવું જોઈએ, અમરેલીની પાટીદાર યુવતીના વિવાદ મુદ્દે કોંગ્રેસ નેતા દ્વારા ધરવામાં આવેલા ધરણાને તેમણે વખોડી કાઢ્યા હતા. જે બાદ કહ્યું, હાલ નનામો લેટર વાઇરલ કરવાનો રોગ ફેલાયો છે, જેની જાણ બધાને છે. પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા છે.
શું હતો સમગ્ર મામલો
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડ કાંડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
Read This Also…ગુજરાતની 70થી વધુ પાલિકાનું 500 કરોડથી વધુ વીજબિલ બાકી
જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતી પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું, જેનો ભારે વિરોધ થયો હતો. જે બાદ ત્રીજી જાન્યુઆરીએ આ પાટીદાર યુવતીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા હતા. સેશન્સ કોર્ટે 15 હજારના બૉન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપ્યા હતા. જે બાદ કૉંગ્રેસ દ્વારા પાટીદાર દીકરીના વરઘોડાને લઈ વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો.