Dahod માં વેપારી પર નકલી આવકવેરા અધિકારીઓની રેડ, બે શખ્સો ઝડપાયા, ચાર ફરાર…
અમદાવાદઃ તાજેતરમાં કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીના અધિકારીઓએ રેડ પાડી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. હવે પંચમહાલના દાહોદમાં(Dahod)આવકવેરા વિભાગના 6 નકલી અધિકારીઓએ રેડ પાડીને નાણાં ધીરનાર વેપારી પાસે મામલો રફેદફે કરવા 25 લાખની માગ કરી હતી. વેપારીએ ડરથી બે લાખ રૂપિયા આપી દીધા હતાં. ત્યાર બાદ આ લોકો નકલી અધિકારીઓ હોવાનું જણાઈ આવતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આ છ ઈસમો પૈકી બે લોકોને પકડી પાડ્યા હતાં અને ફરાર થઈ ગયેલા ચાર લોકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
દાગીના જપ્ત નહીં કરવા 25 લાખ રૂપિયાની માગ કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદ જિલ્લાના ફતેપુરાના સુખસરમાં મેઈન બજારમાં લાયસન્સથી નાણાં ધીરધારનો વેપાર કરતાં અલ્પેશભાઈ પ્રજાપતિની દુકાનમાં ગત તા.10મી જાન્યુઆરીએ બપોરે 6 જેટલા ઈસમો આવકવેરા વિભાગના નકલી ઓફિસર બનીને આવ્યા હતા.
આ પણ વાંચો : બોલો! દમણ એક્સાઇઝ વિભાગના ગોડાઉનમાંથી ચોરાયો લાખો રૂપિયાનો સરકારી દારૂ…
આ નકલી અધિકારીઓ વેપારીને કહેવા લાગ્યા કે, અમે ઈન્કમટેક્ષ ઓફિસર છીએ, તમારી દુકાન અને ઘરમાં સર્ચ કરવાનું છે, તમારી વિરૂદ્ધ અરજી આવેલી છે. આ દરમિયાન અધિકારીઓએ વેપારી પાસે રહેલા દાગીના જપ્ત નહીં કરવા 25 લાખ રૂપિયાની માગ કરી હતી. પરંતુ વેપારીએ પોતાની પાસે આટલા રૂપિયા નહીં હોવાનું જણાવી આ લોકોને બે લાખ રૂપિયા આપ્યા હતાં.
ચાર લોકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન
આ દરમિયાન વેપારીને તેમના સંબંધીનો ફોન આવ્યો હતો કે, તમારી દુકાને આવેલા અધિકારીઓ નકલી છે. જેથી વેપારીએ સુખસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સુખસર પોલીસે તપાસ શરૂ કરીને નકલી ઈન્કમટેક્ષ ઓફિસર બનીને આવેલા 6 પૈકી ભાવેશ બીપીનચંદ્ર આચાર્ય અને અબ્દુલ સુલેમાનને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે ફરાર થઈ ગયેલા ચાર લોકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.