અમદાવાદ BRTS સેવા કેટલી સુરક્ષિત? ડ્રાઈવરો વિરૂદ્ધ નોંધાઈ 792 ફરિયાદો…
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દોડતી બીઆરટીએસ બસોના ડ્રાઈવરો વિરુધ્ધ 4 વર્ષમાં મુસાફરો દ્વારા 792 ફરિયાદ નોંધાવવામાં આવી છે. વર્ષ 2024માં છ મહિનાના સમયગાળામાં ડ્રાઈવરો વિરુધ્ધ અયોગ્ય રીતે બસ ચલાવવાની 85, ડ્રાઈવરો દ્વારા મુસાફરો સાથે ગેર વર્તણૂંકની 71 તેમજ પેસેન્જર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવા અંગેની 8 ફરિયાદ સહિત કુલ 174 ફરિયાદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર બુલ્ડોઝર ફરી વળ્યું, જુઓ VIDEO
250 થી પણ વધુ બસ આપે છે સેવા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જનમાર્ગ લી.દ્વારા શહેરમાં બીઆરટીએસની 250થી પણ વધુ બસ દોડાવવામાં આવે છે. આ બસોનું સંચાલન પ્રાઈવેટ કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવે છે. જનમાર્ગ લી.દ્વારા દોડાવવામા આવતી બસના મુસાફરો બસના ડ્રાઈવરની વર્તણૂંકથી લઈ અન્ય બાબતો અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરી શકે એ માટે જનમાર્ગ તરફથી ટોલ ફ્રી નંબર ઉપરાંત વોટસઅપ નંબર, જનમાર્ગ કંટ્રોલ નંબર તથા ઈ-મેઈલ આઈ.ડી.પણ આપવામાં આવેલા છે.
શહેરના એક વકીલ અતિક સૈયદે માંગેલી માહિતી બાદ જનમાર્ગ તરફથી આપવામા આવેલી વિગત મુજબ, પેસેન્જરને ઈજા, ડ્રાઈવરની ગેર વતર્ણૂંક, અયોગ્ય રીતે બસ ચલાવવી, દુર્વ્યવહાર કરવા જેવી ફરિયાદ મુસાફરો તરફથી કરવામા આવતી હોય છે.
આ પણ વાંચો : Uttarayan 2025 : અમદાવાદ પોલીસ એકશન મોડમાં, જાહેરનામાના ભંગ બદલ 49 લોકોની ધરપકડ…
BRTSની ઓપરેશન બ્રાન્ચ કરે છે કાર્યવાહી
બીઆરટીએસની ઓપરેશન બ્રાન્ચ દ્વારા બસ ડ્રાઈવરને એક કે બે દીવસ માટે ટ્રાફિક જંકશન ઉપર ગંભીર ગુનો જણાય તો ફરજ મુકત કરવામા આવે છે. પરંતુ તંત્ર તરફથી મુસાફરો દ્વારા કરવામા આવતી ડ્રાઈવરો વિરૃધ્ધની ફરિયાદનો કોઈ રેકોર્ડ રાખવામાં આવતો નથી. ચાર વર્ષમાં ચાર્ટડ સ્પીડ લી.ના એક માત્ર પ્રમોદભાઈ નામના ડ્રાઈવરને ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.