નેશનલ

ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન ઐતિહાસિક નીચલા સ્તરે, Priyanka Gandhi એ પીએમ મોદી પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હી : ડોલર સામે રૂપિયાના સતત થતાં અવમૂલ્યન મુદ્દે મોદી સરકાર ઘેરાઈ છે. તેવા સમયે હવે કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધીએ(Priyanka Gandhi) કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. ત્યારે પીએમ મોદીએ લોકોને જવાબ આપવો જોઇએ કેમ ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 86. 4 પર પહોંચ્યું છે. પ્રિયંકા ગાંધીએ ‘X’ પર પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના એક નિવેદનનો ઉલ્લેખ કરીને પોસ્ટ કરી હતી.

રૂપિયાના ઘટાડાના તમામ રેકોર્ડ તૂટી ગયા

પ્રિયંકા ગાંધીએ કહ્યું, ડો. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન જ્યારે એક ડોલરની કિંમત 58-59 રૂપિયા હતી. ત્યારે નરેન્દ્ર મોદી રૂપિયાના મૂલ્યને સરકારની પ્રતિષ્ઠા સાથે જોડતા હતા. તેઓ કહેતા હતા, મને બધી ખબર છે કે કોઈપણ દેશનું ચલણ આ રીતે ન ઘટી શકે. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું કે આજે તેઓ પોતે પ્રધાન મંત્રી છે અને રૂપિયાના ઘટાડાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. તેમણે દેશના લોકોને જવાબ આપવો જોઈએ.

યુએસ ડોલરની મજબૂતાઈ રૂપિયામાં નબળાઈનું મુખ્ય કારણ

ઉલ્લેખનીય છે કે, શનિવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 34 પૈસા ઘટીને 86.20 ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો. આ ઘટાડો અનેક આર્થિક દબાણનું પરિણામ છે. નિષ્ણાતોના મતે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના નવા યુએસ વહીવટની સંભવિત વેપાર નીતિઓને કારણે યુએસ ડોલરની મજબૂતાઈ રૂપિયામાં નબળાઈનું મુખ્ય કારણ છે.

રૂપિયાના મૂલ્યમાં આ ઘટાડાની અસર સામાન્ય લોકો પર પણ પડશે કારણ કે આયાતી વસ્તુઓ, ખાસ કરીને પેટ્રોલિયમ ઉત્પાદનો, મોંઘા થઈ શકે છે. આ ઉપરાંત, વિદેશમાં અભ્યાસ કરવો અથવા મુસાફરી કરવા માંગતા લોકોનો ખર્ચ પણ વધશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button