અમદાવાદ : ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસના ફેલાઈ રહેલા કેસોને લઈને સમગ્ર વિશ્વમાં દહેશત છે. ત્યારે ગુજરાતમાં એચએમપીવીનો (HMPV) વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદમાં ગઇકાલે સાઉથ બોપલમાં રહેતા 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે 11 જાન્યુઆરીના મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો: HMPV: ગુજરાતની સ્કૂલોમાં શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું
59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ
આજે અમદાવાદના થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મૂળ કચ્છના રહેવાસીને સારવાર અર્થે અમદાવાદના થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે આ કિસ્સામાં પણ દર્દીની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. આ કેસ સાથે દેશમાં HMP વાયરસના કેસનો આંક 5 થઈ ગયો છે, જ્યારે દેશમાં કુલ 15 કેસ નોંધાયા છે.
સાઉથ બોપલમાં 9 માસનું બાળક સંક્રમિત
ગઇકાલે અમદાવાદના સાઉથ બોપલમાં 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકને છેલ્લા કેટલાય સમયથી શરદી-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. દર્દીની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નહોતી.
ગુજરાતમાં નોંધાયા 5 કેસ
ગુજરાતમાં એચએમપીવી(HMVP)વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં ચાંદખેડાની ઓરેન્જ હૉસ્પિટલમાં દાખલ કરવાં આવેલા બાળકમાં નોંધાયો હતો. 24 ડિસેમ્બર 2024ના દાખલ કરવામાં આવ્યા બાદ 26 ડિસેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમ છતાં આ મામલે હૉસ્પિટલ દ્વારા તંત્રને જાણ ન કરવામાં આવતા AMCએ હૉસ્પિટલને નોટિસ ફટકારી હતી.
જ્યારે બીજો કેસ હિંમતનગરમાં નોંધાયો હતો. જ્યાં ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આંક ત્રણ સુધી પહોંચ્યો હતો.