દુર્ગાદાસની સમયસૂચકતા અને શૌર્યે શાહી સેનાને હંફાવી
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૧૫)
વીર દુર્ગાદાસ રાઠોડ અને રાજપૂત આગેવાનોએ ગજબની હિમ્મત અને ચાલાકીથી બેઉ રાજકુમારોને દિલ્હીની ચુંગાલમાંથી બહાર જ ન કાઢ્યા, પરંતુ એકદમ સલામત રીતે મારવાડ ભણી રવાના ય કરાવી દીધા. બંને બાળ-રાજવીઓની સુરક્ષા માટે મોહકમસિંહ મેડતિયા, મુકનદાસ, મહાસિંઘ ચૌહાણ, રૂપસિંહ ઉદાવત જેવા વીર આગેવાનોને સાથે મોકલાયા હતા.
આ પગલું કેટલું સમયસરનું હતું એનો પરચો તરત મળી ગયો. દિલ્હીમાં રાઠોડ આગેવાનોને ઔરંગઝેબે ફરમાન મોકલાવ્યું કે હવે બંને રાજકુમારોને શાહી હરમમાં રાખવામાં આવશે, ત્યાં જ ઉછેર અને ભરણપોષણ થશે તથા વયસ્ક ઉંમરના થતા રાજાનો ઇલ્કાબ અને મનસબ એનાયત થશે.
આ શાહી ચાલથી સૌને આઘાત લાગ્યો. ઔરંગઝેબના આ વ્યૂહનો અર્થ સ્પષ્ટ હતો: રાજકુમારને પોતે ઇચ્છે ત્યાં સુધી જીવતા રાખી શકાય ને જો ખરેખર મોટા થઈ જાય તો ત્યાં સુધી મુસલમાન બની ગયા હોય. રાઠોડોએ સામી દલીલ કરી કે આવા ભૂલકાંને માતાથી અલગ રખાય કેવી રીતે? તેઓ જાણતા હતા કે આ દલીલનો પ્રતિસાદ એક જ રહ્યો: લડાઈ.
અને થયું એવું જ. છળ-કપટથી રાજકુમારોને ધર્મ-ભ્રષ્ટ કરવાના ઈરાદાવાળા ધર્માંધ રક્ષકોના હાથમાં બાળકો સલામત ન જ રહી શકે એટલે હવે છેલ્લો રાજપૂત સૈનિક લોહીના અંતિમ ટીપા સુધી લડી લેશે એવો પ્રણ લેવાયો. આ જોશને દુર્ગાદાસનું સુયોગ્ય માર્ગદર્શન પણ મળ્યું જે બહુ અનિવાર્ય હતું:
આ તરફ લાલચુ-ક્રૂર ઔરંગઝેબે પોતાનો મનસૂબો પૂરો કરવા માટે દિલ્હીના કોતવાલ ફૌલાદ ખાનને આદેશ આપ્યો કે મહારાજા જસવંતસિંહના પરિવારને હાજર કરો. આ મુજબ ઇ. સ. ૧૬૭૯ની ૧૬મી જુલાઈએ કિશનગઢના રાજા રૂપસિંહની હવેલીને ઘેરી લેવાઈ, પરંતુ આ હવેલીના સરદાર દુર્ગાદાસની અગમચેતીથી બંને રાજકુમાર તો હવેલીમાંથી નીકળી ચુક્યા હતા.
બંને રાજકુમાર સલામતપણે નીકળી ગયાની ધરપત અનુભવનારા ૨૫૦ રાજપૂત સૈનિકો હજી હવેલીમાં બચ્યા હતા. હવે તેમની પાસે એક જ સોનેરી વિકલ્પ હતો લડીને બલિદાન આપવાનો, પરંતુ મોતની શક્યતાથી ડગી જાય કે ડરી જાય એ બીજા.
કહેવાય છે કે દુર્ગાદાસે આ રહ્યા સહ્યા સાથી સૈનિકો સાથે શાહી તોપખાના પર જોરદાર હુમલો કરી દીધો. એટલું જ નહીં તોપખાના પર કબજો ય જમાવી લીધો. માથે મોત, ઓછા સાથીઓ અને શત્રુની ધરતી પર હોવા છતાં દુર્ગાદાસે એક કુશળ સેનાપતિને શોભે એમ અદ્ભુત વ્યૂહ ઘડ્યો હતો. એક મોરચા પર લવરેના ભાટી રઘુનાથ સુરણાતોને દુશ્મનોના દાંત ખાટા કરવા મૂક્યા હતા અને ખરેખર તેમણે એવી કમાલ બતાવી કે શાહી સેના ઊભી ય ન રહી શકી. રઘુનાથજી દોઢ કલાક સુધી એવું અદ્ભુત લડ્યા કે દિલ્હીની શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં લોહી દેખાવા માંડ્યું. એણે પોતાના ૭૦ સાથીઓ સાથે પ્રાણની આહુતિ આપીને ફરજ નિભાવ્યાના સંતોષ સાથે લાંબે ગામેતરે નીકળી પડ્યા. ધન્ય છે આવા વીરોને.
ગુમાની ઔરંગઝેબની સેનાને સમજાતું નહોતું કે શું કરવું? આ અસંમજસનો લાભ લઈને દુર્ગાદાસ રાઠોડ સહિતના થોડા આગેવાનો મારવાડ તરફ પ્રયાણ આદર્યું. તેઓ થોડા આગળ વધ્યા હશે ત્યાં પાછળ ધસી આવતા શત્રુઓના અશ્ર્વોના ડાબલા કાને પડ્યા. વ્યૂહ મુજબ બધેબધા લડવા રોકાવાને બદલે રણછોડદાસ જોધાએ મોરચો સંભાળ્યો. તેમણે તોતિંગ શાહી સેનાને આગળ વધતી રોકવા માટે શક્ય એ બધું કર્યું. વીરતા અને ઝનૂન સાથે લડતા રહ્યા અને અને અંતે પોતાના સાઠ સાથીઓ સાથે મોતને ગળે લગાવી દીધું, એ પણ હસતા હસતા.
દુર્ગાદાસની વ્યૂહરચના પ્રમાણે ઓછામાં ઓછા રાજપૂત સૈનિકોની ટુકડી શાહી સેનાને હંફાવતી હતી અને બાકીના જોશભેર આગળ વધી રહ્યા હતા. રણછોડદાસ જોધાની સેના બલિદાન આપતા પૂર્વે શાહી સૈનિકો સાથે બે વાર જોરદાર અથડામણમાં ઊતરી હતી અને બપોરે સુધીનો સમય વીતી ચુક્યો હતો.
આ સમયે આગળ વધી રહેલા દુર્ગાદાસ રાઠોડ પાસે માત્ર ૫૦ વીરો બચ્યા હતા. પાછળ વિશાળ શત્રુ સેના આવી રહી હતી. એમની સાથેની લડાઈમાં શું થઈ શકે એનો અણસાર સૌ પામી ગયા. હવે રાણીઓને બચાવવાનું અશક્ય લાગતું હતું. ખુદ રાણીઓએ જ નિર્ણય કર્યો કે હવે શું કરવું? તેમણે આગ્રહ કરીને ચંદ્રમાન જોધાને હાથે પોતાના સર કલમ કરાવી લીધા. ભારે હૈયે બંને રાણીઓના મૃતદેહ જમુના નદીને હવાલે કરીને દુર્ગાદાસ સહિતના યોદ્ધાઓ આગળ ન વધ્યા પણ શત્રુની રાહ જોવા માંડ્યા. (ક્રમશ:)