રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓને ‘છોડી જવા’ ચેતવણી!
મુંબઈમાં યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પોસ્ટર
મુંબઈ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ફોટાવાળા પોસ્ટરો મુંબઈના અંધેરી અને જોગેશ્વરી વિસ્તારોમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને ચેતવણી આપતા જોવા મળ્યા છે. આ પોસ્ટરમાં મોટા અક્ષરોમાં લખેલું છે, ‘જો તમે અહીં છો, તો બાંગ્લાદેશી ઘુસણખોરો, રોહિંગ્યાઓ, અમારી વસાહત, અમારું શહેર, અમારો જિલ્લો, અમારું રાજ્ય, અમારો દેશ, અમારી શાળાઓ અને કોલેજો, અમારી દુકાનો, વ્યવસાયો, વેપાર, નોકરીઓ, ઘરો અને જમીન છોડીને જતા રહો.’
આ પોસ્ટર વિશ્વબંધુ રાય નામના ભાજપના કાર્યકર દ્વારા લગાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન વિશ્વબંધુ રાયે યોગી આદિત્યનાથના સૂત્ર ‘બટોગે, તો કટોગે’ સંબંધિત ઘણા પોસ્ટરો લગાવ્યા હતા. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના નેતૃત્વમાં, પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. તે સમયે મુંબઈમાં યોગી આદિત્યનાથના ફોટાવાળું એક પોસ્ટર જોવા મળ્યું હોવાથી સનસનાટી ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો: Uttarakhandના રુદ્રપ્રયાગ જિલ્લામાં બિન-હિંદુ, રોહિંગ્યાના પ્રવેશબંધીના બોર્ડથી વિવાદ વકર્યો
ટોલ ફ્રી નંબર જારી કરવાની માંગ
મુંબઈ ભાજપના સચિવે મુંબઈ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં એવી માગણી કરી છે કે મુંબઈ પોલીસ બાંગ્લાદેશી લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે ટોલ ફ્રી નંબર જારી કરે. જેના પર સામાન્ય નાગરિકો ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમો વિશે માહિતી આપી શકે, જેથી પોલીસ સમયસર કાર્યવાહી કરી શકે. આ વિદેશી નાગરિકો ભારતીયોના ખોરાક, વીજળી, પાણી અને તમામ સુવિધાઓનો દુરુપયોગ કરીને સમાજમાં ગુના વધારી રહ્યા છે.
અહીંના બે શહેરોમાં અલગ અલગ એસઆઈટી દ્વારા તપાસ ચાલી રહી છે. તેમના કાર્યક્ષેત્રમાં ઘણા સરકારી અધિકારીઓ, નેતાઓ, રાજકારણીઓ અને નકલી દસ્તાવેજો બનાવતી સિન્ડિકેટનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે વોટ બેંક વધારવા માટે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોના જન્મ પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજો બનાવટી તૈયાર કરવામાં આવે છે. એકવાર જન્મ પ્રમાણપત્ર બની ગયા પછી, આધાર કાર્ડ, પૅન કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સરળતાથી બની જાય છે.
આ પછી મતદાતા કાર્ડ અને બેંક ખાતા ખોલવામાં આવે છે. એટલું જ નહીં, એસઆઈટીની તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંના ઘણા બાંગ્લાદેશી નાગરિકો પાસે ભારતીય પાસપોર્ટ પણ બનાવટી હતા. મોટી વાત એ છે કે જે લોકોના નકલી રહેઠાણના પુરાવા માલેગાંવ, નાસિકમાં બનાવવામાં આવ્યા હતા, તેમના પાસપોર્ટ ગુજરાતના સુરત પાસપોર્ટ ઓફિસમાંથી બનાવવામાં આવ્યા હતા.