પોલીસ ભરતીની દોડમાં નિષ્ફળ જતાં યુવકે જીવન ટૂંકાવ્યું; 8 વર્ષથી કરતો હતો તૈયારી…
જુનાગઢ: હાલ ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક દળ માટેની ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. આ દરમિયાન શારીરિક કસોટીમાં નાપાસ થવાના કારણે જૂનાગઢના માણાવદર તાલુકામાં 29 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. યુવકના આપઘાતથી પરિવાર અને ગ્રામજનોમાં શોક છવાઈ ગયો છે.
આ પણ વાંચો : ઓણ કેસર કેરી મન મૂકીને ખાજોઃ સૌરાષ્ટ્રના આંબા મોરથી લચી પડ્યા, જૂઓ વીડિયો…
8 વર્ષથી કરતો હતો પરીક્ષાની તૈયારી
પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દગડ ગામના 29 વર્ષીય પરેશ કાનગડ નામના યુવકે આપઘાત કરી લીધો છે. તારીખ 9 જાન્યુઆરીના રોજ પોલીસ ભરતીની શારીરિક કસોટી આપવા માટે તે જામનગર ગયો હતો. લગભગ છેલ્લા 8 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતાં યુવકને પોલીસ ગ્રાઉન્ડમાં સફળતા ન મળતા નિરાશ થયેલા યુવકે બાંટવા નજીક જંગલમાં જઇ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
મોબાઈલ આવતો હતો બંધ
પરિવારના જણાવ્યા અનુસાર યુવક શારીરિક કસોટી આપવા માટે જામનગર ગયો હતો. ઘણા કલાકો સુધી પરેશ ઘરે પરત ન આવતા તેને ફોન કરતાં તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. આથી પરિવાર અને મિત્રોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે પરેશના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે માણાવદર હોસ્પિટલ ખસેડ્યો હતો.
કોઈપણ નિષ્ફળતા કાયમી નથી હોતી
આ બનાવ અંગે GPSCના ચેરમેન હસમુખ પટેલે પણ ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે, “પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા એક યુવાને આત્મહત્યા કર્યાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા છે. કોઈપણ નિષ્ફળતા કાયમી હોતી નથી ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે. જિંદગી બહુ મૂલ્યવાન છે.
આ પણ વાંચો : લેટર કાંડઃ અમરેલી બંધને મિશ્ર પ્રતિસાદ, આ તારીખ સુધી કલમ 144 કરવામાં આવી લાગુ
જીવન આસ્થા હેલ્પલાઇનનો સંપર્ક કરો
હસમુખ પટેલે કહ્યું કે પરીક્ષાની તાણ કે પરીક્ષામાં નિષ્ફળતાને કારણે નિરાશા કે ઉદાસીનતાનો અનુભવ થતો હોય અથવા તો જિંદગી જીવવા જેવી નથી તેવું લાગે તો જીવન આસ્થા હેલ્પલાઇનનો સંપર્ક કરો.18002333330 ગાંધીનગર જિલ્લા સુરક્ષા સોસાયટી દ્વારા આ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. તેને કારણે ઘણા લોકોને જીવ બચી ગયા છે.