અધધધ…આ સુપરસ્ટાર ફૂટબોલર વર્ષ 2024માં માત્ર 42 મિનિટ રમ્યો અને કમાયો 892 કરોડ રૂપિયા!
રિયો ડિ જાનેરોઃ બ્રાઝિલના એક સમયના સુપરસ્ટાર ફૂટબૉલ ખેલાડી નેમારની કરીઅર થોડા વર્ષોથી ઈજાઓને કારણે ખોરવાઈ ગઈ છે. 2024ના વર્ષમાં તો એવું બન્યું કે એ વર્ષમાં તે વારંવાર ઈજા પામ્યો જેને કારણે 12 મહિનામાં કુલ મળીને ફક્ત 42 મિનિટ સુધી રમ્યો હતો. એ તો ઠીક છે, પણ ફક્ત 42 મિનિટ રમવાના તેને 10.10 કરોડ યુરો (અંદાજે 892 કરોડ રૂપિયા)નો મસમોટો ચેક મળ્યો હતો.
વાત એવી છે કે નેમાર 2023ની સાલમાં ફ્રાન્સની પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમ છોડીને સાઉદી અરેબિયાની અલ-હિલાલ ક્લબની ટીમમાં જોડાયો હતો. આ કરાર તેણે સાઉદી પ્રો લીગમાં રમવા માટે કર્યો હતો. જોકે 2024માં તે ઈજાને કારણે બહુ જ ઓછું રમી શક્યો હતો.
આ પણ વાંચો: રોનાલ્ડોનો વર્લ્ડ રેકોર્ડ, પ્રથમ ફૂટબોલર બન્યો જેણે…
બાર્સેલોનાના આ ભૂતપૂર્વ ફૉર્વર્ડ ખેલાડીને મેળવવા અલ-હિલાલે મસમોટી ટ્રાન્સફર ફી ચૂકવી હતી. જોકે 2024ના વર્ષમાં ઈજાએ નેમારનો પીછો ન છોડ્યો અને અલ-હિલાલના ટીમ-મૅનેજમેન્ટે તેને એક પછી એક ટૂર્નામેન્ટ અને એક પછી એક મૅચની બહાર રાખવો પડ્યો. હવે સ્થિતિ ત્યાં સુધીની આવી ગઈ છે કે અલ-હિલાલ ક્લબ તેની સાથેનો કૉન્ટ્રૅક્ટ ટૂંકાવી નાખીને વધુ આર્થિક નુકસાન પર લગામ મૂકવા વિચારે છે.
2024માં આ ક્લબે નેમારને 10.10 કરોડ યુરો (અંદાજે 892 કરોડ રૂપિયા) ચૂકવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2017ની સાલમાં ફ્રાન્સની પીએસજી ક્લબે નેમારને એક સીઝનના 20 કરોડ પાઉન્ડ (આશરે 21 અબજ રૂપિયા)ની તોતિંગ રકમ ચૂકવી હતી.
પ્રોફેશનલ ફૂટબૉલમાં હાલમાં ટ્રાન્સફર-વિન્ડો હેઠળ ખેલાડીઓની લે-વેચ ચાલી રહી છે અને એમાં નેમાર તથા અલ-હિલાલ ક્લબ એકમેક સાથે સહમત થશે તો નેમારને છૂટો કરી દેશે અને અન્ય કોઈ ક્લબ નેમારને ખરીદી શકશે. જોકે તે ઈજાઓને કારણે હમણાં ખાસ કંઈ રમતો ન હોવાથી તેને કઈ ક્લબ ખરીદવા તૈયાર થશે એ સૌથી મોટો સવાલ છે.
વર્ષ 2024ના હાઇએસ્ટ-પેઇડ ફૂટબૉલ ખેલાડીઓ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ): 26.30 કરોડ યુરો (23.22 અબજ રૂપિયા)
લિયોનેલ મેસી (આર્જેન્ટિના): 12.40 કરોડ યુરો (10.95 અબજ રૂપિયા)
નેમાર (બ્રાઝિલ): 10.10 કરોડ યુરો (8.92 અબજ રૂપિયા)
કરીમ બેન્ઝેમા (ફ્રાન્સ): 9.60 કરોડ યુરો (8.48 અબજ રૂપિયા)
કીલિયાન ઍમ્બપ્પે (ફ્રાન્સ): 8.30 કરોડ યુરો (7.33 અબજ રૂપિયા)
નોંધઃ તમામ ફૂટબોલરને પ્રોફેશનલ ફૂટબૉલમાં તેમની ક્લબે ચૂકવેલી રકમ અહીં દર્શાવવામાં આવી છે.