આપણું ગુજરાત

Uttarayan 2025 : અમદાવાદ પોલીસ એકશન મોડમાં, જાહેરનામાના ભંગ બદલ 49 લોકોની ધરપકડ…

અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની(Uttarayan 2025 ) હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે, છેલ્લા વર્ષોમાં સામાન્ય દોરીની સાથે સાથે જીવલેણ નીવડતી ચાઈનીઝ દોરી પણ બજારમાં આવી છે. આના રાખવા અને વેચવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં શહેરમાં તેનું વેચાણ થઈ રહ્યું છે. જેના પગલે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેની બાદ પોલીસ પણ એકશનમાં આવી છે. પોલીસે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે.

97 ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરવામાં આવી

અમદાવાદ પોલીસે જાહેરનામા ભંગના 48 કેસ કરીને 49 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઇન વેચાણને લઈ વોચ રાખવામાં આવી રહી છે. તેવામાં 21 ડિસેમ્બરથી ચાઈનીઝ દોરી, તુક્કલ વેચનારા વેપારીઓ વિરુદ્ધ અમદાવાદ પોલીસે કાર્યવાહી કરી છે. અમદાવાદ પોલીસની ડ્રાઈવ દરમિયાન 97 ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે 3 ચરખા સહિત 27,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો : ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે? હવામાન વિભાગે કરી આગાહી…

જાહેરનામું તા.10થી 31 જાન્યુઆરી સુધી અમલમાં

અમદાવાદ પોલીસના જાહેરમાના અનુસાર, અમદાવાદના રસ્તાઓ પર દોડીને પતંગ પકડી કે ઉડાવી શકાશે નહીં. રોડ પર ઉભા રહીને પતંગ ચગાવવાથી રાહદારી અને વાહનચાલકોને દોરી વાગવાના બનાવ બને છે. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. આ જાહેરનામું તા.10થી 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર ગુનો ગણાશે

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તારીખ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનો ભંગ કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર ગુનો ગણાશે.

અમદાવાદ પોલીસે પણ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવવા અપીલ કરી

આ ઉપરાંત અમદાવાદ પોલીસે પણ શહેરીજનોને ચાઈનીઝ દોરીના ઉપયોગથી દૂર રહેવા અપીલ કરી છે. તેમજ ઉત્તરાયણની જોડે જોડે પક્ષીઓને પણ દોરીથી થતી ઇજાથી બચાવવા અપીલ કરી છે. તેમજ લખ્યું છે કે, આ ઉત્સવ પતંગની મઝા સાથે સંવેદનાનો સંદેશ લાવીએ. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળીએ, પક્ષીઓને ઈજા પહોંચે નહીં એ સુનિશ્ચિત કરીએ અને સુરક્ષિત ઉત્તરાયણ ઉજવીએ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button