નેશનલ

90 કલાક કામની ચર્ચા વચ્ચે કોણે કહ્યું કે ”મેં અઠવાડિયામાં 100 કલાક કામ કર્યું”

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી અઠવાડિયામાં કેટલા દિવસ કામ કરવું જોઇએ તે મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. 90 કલાક સુધી કામ કરવું જોઇએ તે મુદ્દો હજુ શાંત નથી પડ્યો ત્યાં અઠવાડિયામાં 100 કલાક કામ કરવું જોઇએ તેવું નિવેદન સામે આવ્યું છે. કેપિટલ માઇન્ડના સંસ્થાપક અને સીઇયો દિપક શેનોયે વાત કરી છે કે તેઓ અઠવાડિયામાં 100 કલાક કામ કરે છે. આ સાથે જ તેમણે પ્રોડક્ટિવ વર્ક પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: ‘કેમ કામ કરતો નથી’ કહી ભાજપના ધારાસભ્યએ સરકારી અધિકારીને ખખડાવ્યો

અઠવાડિયામાં 100 કલાક કામ કરવું જોઇએ
કેપિટલમાઇન્ડના (Capitalmind) સ્થાપક અને સીઈઓ દીપક શેનોયે (Deepak Shenoy) કહ્યું કે અઠવાડિયામાં 100 કલાક કામ કરવું જોઇએ. તેમણે કહ્યું કે તેઓ અઠવાડિયામાં 100 કલાકથી વધુ કામ કરે છે. જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોટાભાગનું પ્રોડક્ટિવ વર્ક સામાન્ય રીતે દરરોજ ફક્ત 4-5 કલાકમાં જ થાય છે. શેનોયએ એ વાત પર ભાર મૂક્યો હતો કે સફળતાની ચાવી કામ કરેલા કલાકોમાં નહીં, પરંતુ તે કલાકો દરમિયાનની તીવ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં રહેલી છે.

દીપક શેનોયે X પર કરી પોસ્ટ
દીપક શેનોયે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘મેં કદાચ મારી કારકિર્દી દરમિયાન અઠવાડિયામાં 100 કલાક કામ કર્યું હશે, પરંતુ તેમાંથી મોટાભાગનું કામ એક ઉદ્યોગસાહસિક તરીકે હતું.’ તમારે કામના કલાકો લાદવાની જરૂર નથી. જે લોકો કામ માટે પ્રેરિત છે તેઓ ખુશીથી કામ કરશે. મોટાભાગનું સાચું કામ દિવસમાં 4-5 કલાકમાં થાય છે, પણ તે ક્યારે થાય છે તે તમે ક્યારેય જાણતા નથી.

હાલ ચાલી રહી છે ચર્ચાઓ
હાલનાં સમયમાં અઠવાડિયામાં 70 અને 90 કલાક કામ કરવા અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ સૂચન કર્યું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. ત્યારબાદ L&Tના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમે અઠવાડિયામાં 90 કલાક કામ કરવા અંગેની આ ચર્ચાને વધુ વેગ આપ્યો. સુબ્રમણ્યમે નારાયણ મૂર્તિને પણ પાછળ છોડીને એમ પણ કહ્યું કે જો તેમની મરજી હશે તો તેઓ રવિવારે પણ કર્મચારીઓને કામ પર બોલાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button