૪૦૦ કરોડને ખર્ચે ૭૦ હેકટરના કોસ્ટલ રોડને લીલોછમ બનાવાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડમાં બાન્દ્રા-વરલી સી લિંકથી મરીન ડ્રાઈવ સુધી બંને બાજુએ ખુલ્લી રહેલી ૭૦ હેકટર જગ્યાનો વિકાસ એટલે કે તેને ગ્રીન એરિયા બનાવવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે, તે માટે પાલિકાએ શુક્રવારે ભાગીદારી સંસ્થાઓ, ખાનગી કંપનીઓ, પબ્લિક લિમિટેડ કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (ઈઓઆઈ) આમંત્રિત કર્યા હતા. પ્રોજેક્ટનો ખર્ચ ૪૦૦ કરોડ રૂપિયાની આસપાસ છે. સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડ દ્વારા ગ્રીન એરિયાનો વિકાસ કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : ટિકિટોના કાળાબજારને રોકવા માર્ગદર્શિકા માંગતી પીઆઈએલને બોમ્બે હાઈ કોર્ટે ફગાવી…
કોસ્ટલ રોડ એ પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડા સુધી ૧૦.૫૮ કિલોમીટર લાંબો છે. હાલ આ પ્રોજેક્ટનું ૯૫ ટકા કામ થઈ ગયું છે અને ૨૬ જાન્યુઆરી સુધીમાં આખો કોસ્ટલ રોડ ખુલ્લો મૂકવામાં આવવાનો છે.
કોસ્ટલ રોડની બંને બાજુ ૭૦ હેકટર ગ્રીન એરિયા બનાવવામાં આવવાનો છેે. પાલિકાએ આ ગ્રીન એરિયા વિકસાવવા માટે પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન લગભગ ત્રણ મહિના પહેલા પાલિકા કમિશનરને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. આ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી. જૂન અથવા જુલાઈ, ૨૦૨૪ સુધીના આ કામ માટે ટેન્ડરો પણ બહાર પાડવામાં આવવાના હતા, પરંતુ અમુક કારણથી તે અટવાઈ ગયું હતું.
આ પ્રોજેક્ટ પાછળ પાલિકાને ૪૦૦ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થવાની શક્યતા છે. જોકે પાલિકા પોતાની તિજોરીને બદલે સીએસઆર ફંડમાંથી કરે તો પૈસા બચી શકે છે. તેથી પાલિકાએ સીએસઆર ફંડમાંથી ગ્રીન એરિયા વિકસાવવાનું નક્કી કર્યું હતું, તેથી ટેન્ડર પ્રક્રિયાને બાજુએ રાખી સીએસઆર માટે રસ ધરાવતી કંપનીઓ સાથે ચર્ચા શરૂ કરી છે. ઉદ્યોગજગતની જાણીતા ત્રણ મોટા ગ્રૂપ સાથે પાલિકાએ ચર્ચા કરી હતી. એ સિવાય પાલિકાએ જાણીતી કંપનીઓ, ભાગીદારી સંસ્થા, ખાનગી કંપનીઓ સાર્વજનિક કંપનીઓ પાસે ઈઓઆઈ મંગાવવાનો નિર્ણય લીધો છે.
ગ્રીન એરિયાનો વિકાસ કરતા સમયે લાંબા ગાળા માટે તેની દેખરેખ રાખવાની રહેશે અને તે માટે શુકવારે પાલિકાએ ઈઓઆઈ બહાર પાડ્યા હતા.
આ પણ વાંચો : મુંબઈમાં વધી રહ્યું છે વાયુ પ્રદૂષણ, બોમ્બે હાઈ કોર્ટે તંત્રને ફટકાર લગાવી
ગ્રીન એરિયાનો વિકાસ કરતા સમયે તેમાં અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે અને તેમાં મિયાવાકી વૃક્ષો, સ્થાનિક પ્રજાતિ સહિત ઈકોલોજિકલ પાર્ક, બટરફ્લાય પાર્ક, યોગા ટ્રેક, ઓપન જિમ, સિનિયર સિટિઝન માટે પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, સાઈકલ ટ્રેક જેવી સુવિધાઓ સહિત ઓપન ઓડિટોરિયમ પણ ઊભી કરાશે.