મુંબઇમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર
મુંબઇઃ મુંબઈમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓની ઘુસણખોરી વધતી જઇ રહી છે, એ વાત અજાણી નથી. જોકે, મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી બાદ નવી સરકારની રચના સાથે જ આ ગેરકાયદે વસતા બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસની સરકાર પોલીસ અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે મળીને આ ગેરકાયદે વસી રહેલા બાંગ્લાદેશીઓ સામે સખત કાર્યવાહી કરી રહી છે. હવે મુંબઇમાં જુદા જુદા સ્થળોએ તેમને ચેતવણી આપતા પોસ્ટર લગાવેલા જોવા મળી રહ્યા છે.
હાલમાં મુંબઇના અંધેરી અને જોગેશ્વરી જેવા વિસ્તારોમાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પોસ્ટર્સ લાગેલા જોવા મળે છે. આ પોસ્ટર્સમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની તસવીર છે. તેમની તસવીર સાથે પોસ્ટર્સ પર મોટા અક્ષરોમાં ચેતવણીના સૂરમાં લખવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશીઓ, રોહિંગ્યા ઘુસણખોરો અહીં હોય તો અમારી વસાહત, અમારું શહેર, અમારી શાળા-કૉલેજ, અમારા નોકરી, વેપાર ધંધા, અમારા ઘર અમારો જિલ્લો, અમારું રાજ્ય, અમારો દેશ બધું ખાલી કરો.
આ પોસ્ટર્સ પાછળ ભાજપના જ એક કાર્યકર્તાનું ભેજું કામ કરી રહ્યું છે. વિશ્વબંધુ રાય નામના ભાજપના જ એક કાર્યકર્તા દ્વારા આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે વિશ્વબંધુ રાય પોસ્ટર્સ લગાવ્યા હોય. મહારાષ્ટ્રમાં જ્યારે વિધાન સભાની ચૂંટણી હતી તે સમયે પણ તેમણે રાજ્યમાં યોગી આદિત્યનાથે આપેલા સૂત્ર ‘બટેંગે તો કટેંગે’ના નારાને લગતા ઘણા પોસ્ટર્સ લગાવ્યા હતા.
મુંબઇના ભાજપના સેક્રેટરીએ મુંબઇ પોલીસ કમિશનરને પત્ર લખીને એક ટોલ ફ્રી નંબર જારી કરવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ગેરકાયદે વસતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમો લોકોની ભોજન, વીજળી, પાણી અને તમામ સુવિધાઓનો દુરૂપયોગ કરી રહ્યા છે. તેમના કારણે સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે. આવા સમયે જો નાગરિકો પાસે આ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ટૉલ ફ્રી નંબર હાથવગો હોય તો ઘણું સારું પડે. લોકો પાસે સમયનો અભાવ અને ક્યાં ફરિયાદ કરવી એ અંગે કોઇ માહિતી નથી હોતી. ટૉલ ફ્રી નંબર હશે તો લોકો એના પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકશે અને સરકાર માટે પણ આવા ગેરકાયદે વસતા બાંગ્લાદેશી, રોહિંગ્યાઓ સામે પગલાં લેવાનું આસાન થઇ જશે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રની ખાલીખમ તિજોરી ભરવા દારૂ મોંઘો કરવાની તૈયારી!
નોંધનીય છે કે બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓનો મુદ્દો વોટ બેંક સાથે જોડાયેલો છે. રાજકારણીઓ પોતાની વોટ બેંક વધારવા માટે આવા કામો કરે છે. તેમની રહેમ નજર હેઠળ આ લોકોને આધાર કાર્ડ, પાન કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી મળી જાય છે, જેની મદદથી તેઓ વીજળી, પાણી, ઘર વગેરે સુવિધાઓ પણ આસાનીથી મેળવી લે છે અને નોકરી-રોજગાર પર કબજો જમાવી દે છે. તેઓ કોઇ પણ odd-job કરવા માટે તૈયાર હોય છે.
મુંબઈમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓની વધતી ઘૂસણખોરી પર ભાજપના કિરીટ સોમૈયા પણ અગાઉ ચિંતા દર્શાવી ચૂક્યા છે અને તેમણે ચેતવણી આપી હતી કે કારણે બાંગ્લાદેશીઓની વધતી ઘુસણખોરીને કારણે ડેમોગ્રાફી જ બદલાઇ જશે અને હિંદુઓ લઘુતીમાં આવી જશે. તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સનો રિપોર્ટ ટાંકીને કહ્યું હતું કે મુંબઈમાં જે રીતે રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે, તે રીતે શહેરમાં હિન્દુઓની વસ્તી ઘટીને 54 ટકા થઈ જશે.